/connect-gujarat/media/post_banners/f1c07111fce6874142d172ebc12592a60c18c9185d54395a5fb910c7753db771.webp)
નવરાત્રિના સાતમા નોરતે માતાજીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતુ. માતાજીના કાલરાત્રિ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થાય છે અને તેનુ હંમેશા શુભ થાય છે એટલે માતા કાલરાત્રિને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે, ત્રણ નેત્રો છે, માંની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે, માતાજીનું વાહન ગદર્ભ અર્થાત ગધેડું છે. માતાજી પોતાના ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશિર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. માંના ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડગ તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે. માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ કાલરાત્રી હંમેશા શુભ ફળ આપનારા દેવી છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ ચોક્કસ ડર લાગે તેવું છે પરંતુ ભક્તોએ માતાજીથી કોઇપણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી કારણકે માં હંમેશા પોતાના બાળકની રક્ષા કરે છે.
કાલરાત્રિ માતાજીની પૂજા વિધિ
કળશની પુજા કર્યા પછી માતાજીની સામે દીવો પ્રગટાવીને કંકુ, અક્ષત, ફળ, ફૂલ વગેરેની પુજા કરવામાં આવે છે. માં કાલીના ધ્યાન મંત્રનો જાપ કરવામાં આવે છે. મા કાલરાત્રિની સંપૂર્ણ નિષ્ઠાથી જો પૂજા કરવામાં આવે તો સાધકને ખૂબ ફાયદો થાય છે. માતાજીની ઉપાસના કરતા યમ, નિયમ, અને સંયમનુ પૂર્ણ પાલન કરવું જોઈએ અને મન, વચન, અને કાયાની પવિત્રતા રાખવી જોઈએ. આ નિયમોનુ પાલન કરીને જો માં કાલરાત્રીની પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવે તો સાધકના જીવનમાં શુભત્વની શરૂઆત થાય છે. કાલરાત્રિ માતાના પૂજન દરમિયાન વાદળી રંગ પહેરવું શુભ ગણાય છે
કાલરાત્રિ માતાજીનો ભોગ
નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રીના રૂપમાં પૂજવામાં આવે છે. આ દિવસે માતાને ગોળથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.