યાત્રાધામ દ્વારકાના જગત મંદિર ખાતે મહામાહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામનવમીના પવન પર્વે દ્વારકાધીશ ભગવાનની સુવર્ણ પાદુકાના પૂજન કર્યું હતું. રાષ્ટ્રપતિએ દ્વારકાધીશના દર્શન સાથે દેશની સલામતી અને સુખાકારી માટે મંગલ કામના કરી હતી. મહામાહીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજરોજ દ્વારકાધીશના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. દ્વારકાના હેલિપેડ ખાતે પહોંચતા તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી વિનોદ મોરડીયા, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહીતના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારકાધીશના જગત મંદિર ખાતે પહોંચ્યા હતા. રામનવમી નિમિત્તે રાષ્ટ્રપતિએ જગત મંદિરે દ્વારકાધીશના દર્શન અને સુવર્ણ પાદુકાનું પૂજન અર્ચન કર્યું હતું. મંદિર પરિસરમાં આર્કીયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના રીજનલ ડાયરેક્ટર દ્વારા મંદિરના સ્થાપત્ય અને તેના ઇતિહાસ વિશે માહિતી અપાય હતી. સાથે જ દ્વારકાધીશ વ્યવસ્થાપક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને ભેટ અર્પણ કરાય હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારકાધીશ સમક્ષ દેશની સલામતી, સમૃદ્ધિ અને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તેવી પ્રાર્થના કરી નમન કર્યું હતું.