રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું હતં કે RSSએ ક્યારેય અમુક વર્ગોને આપવામાં આવતી અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં બોલતાં ભાગવતે કહ્યું હતું કે સંઘ માને છે કે જ્યાં સુધી આરક્ષણની જરૂર છે ત્યાં સુધી ચાલુ રહેવું જોઈએ.
અનામતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા શબ્દયુદ્ધ બાદ ભાગવતે આ વાતનો પુનરુચ્ચાર કર્યો હતો.RSSના વડા ભાગવતે કહ્યું હતું કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે એક વીડિયો વાઇરલ થઈ રહ્યો હતો કે આરએસએસ અનામત વિરુદ્ધ છે. અમે આ વિશે બહાર વાત કરી શકતા નથી. હવે આ સાવ ખોટું છે. સંઘ શરૂઆતથી જ બંધારણ મુજબ તમામ અનામતનું સમર્થન કરતું આવ્યું છે.ભાગવતે પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાગપુરમાં કહ્યું હતું કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ. સમાજમાં ભેદભાવ છે, ભલે એ દેખાતો ન હોય.