શ્રાવણ પ્રથમ સોમવારે ભક્તિનો સાગર છલકાયો
સોમનાથ મહાદેવ મંદિર શિવ નાદથી ગુંજી ઉઠ્યું
દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાગી કતાર
સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં જોડાયા ભક્તો
નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સાથે કર્યા શિવજીના દર્શન
ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તિનો સાગર છલકાયો હતો.શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોએ શિવજીના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી હતી,આ પ્રસંગે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ હતી.જ્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનું કિડીયારૂ ઉમટ્યું હતું.અને ભક્તોએ શિવજીના દર્શન કરીને અનેરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.જ્યારે આજના આ વિશેષ દિવસે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવની પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાએ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાનથી પૂજન કરી પાલખી યાત્રાનું પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઉંચકીને પુણ્યનું અર્જન કરે છે. શ્રાવણ માસના ચાર સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું પ્રથમ વખત વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પરિવાર સાથે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.આ પ્રસંગે નીતિન પટેલે મિડીયા સાથેની વાતચીતમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણૂક મુદ્દે નિવેદન આપ્યું હતું.અને જણાવ્યું હતું કે પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની અવધિ પૂર્ણ થઈ ગઈ છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિયુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યવાહી ચાલી રહી છે.ટુંક સમયમાં રાષ્ટ્રીય કક્ષાએથી નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.