/connect-gujarat/media/media_files/2025/01/27/05jf2Bq9tDyCzODilX4b.jpg)
ભરૂચ નેશનલ હાઇવે નંબર48ને અડીને આવેલા મુલદ ચોકડી પાસે હરિકૃષ્ણધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયનો યુનિક ઉત્સવ એટલે શાકોત્સવ,આ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ભરૂચની પુણ્યભૂમિ પર તારીખ26મી જાન્યુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે સુરત ગુરુકુળથી શ્રી નીલકંઠધામ (પોઇચા) ના નિર્માતા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી સાથે સુરત, વડોદરા નીલકંઠધામથી સંતો પધારી દર્શન આશીર્વાદનો લાભ આપ્યો હતો.
શાસ્ત્રી શ્રી અચલજીવનદાસજી સ્વામી,શાસ્ત્રી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ કથાવાર્તા તથા પ્રવચનનો લાભ આપ્યો હતો.સંતોએ એમના પ્રવચનમાં ભગવાનના કાર્ય માટે કરેલ સમર્પણ એ ભગવાન આપણને અનંત ગણું કરીને પાછું આપે છે એવા સુંદર મર્મો વણ્યા હતા.
પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સૌથી વધારે ભાગ્યશાળી આપણે છીએ કારણ કે ભગવાને આપણને મોંઘો મનુષ્ય દેહ આપ્યો સાથે સાથે એ મનુષ્ય દેહ વડે મોક્ષ પમાય કેવો સત્સંગનો પણ આપણને યોગ આપ્યો છે.
આ શાકોત્સવમાં ભરૂચ,અંકલેશ્વર તથા સુરતના1200ઉપરાંત ભાવિકોએ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે શ્રી નીલકંઠ યુવા મિત્ર મંડળ ભરૂચ તથા અંકલેશ્વર દ્વારા આર્થિક સેવાનું યોગદાન આપવામાં આવ્યું હતું.