વણઝારી ચોકમાં નવ દાયકાથી યોજાતા પ્રાચીન ગરબા
92 વર્ષથી પ્રાચીન ગરબીનું કરાય છે ધર્મભીનું આયોજન
મહિસાસુર વધ અને સળગતી ઈંઢોણીનો રાસ આકર્ષણનું કેન્દ્ર
નવાબે ચાંદીનો ગરબો અને ચાંદીની રકાબી આપી હતી ભેટ
નવરાત્રી દરમિયાન બાળાઓને કરવામાં આવે છે લાહણી
જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ વણઝારી ચોકમાં 92 વર્ષથી નવરાત્રીના પર્વમાં માતાજીની આરાધના કરવા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે.વર્ષો પહેલા નવાબનું શાસન હતું ત્યારે બહેનો જાહેરમાં ગરબા ગાઈ શકતા ન હોય ત્યારે પુરુષો ગરબા કરતા હતા.અને એક ગરબાની સ્પર્ધામાં વણઝારી ચોકના યુવકો વિજેતા બનતા જુનાગઢના નવાબે ચાંદીનો ગરબો અને માથે ઢાંકવાની ચાંદીની રકાબી ભેટ રૂપે આપી હતી.
આજે પણ નવરાત્રીના પર્વમાં પ્રાચીન ગરબીની શરૂઆતના સમયે ચાંદીની રકાબી અને માઁ અંબાના સ્વરૂપ ચાંદીનો ગરબો પધરાવવામાં આવે છે અને તેમાં દીપ પ્રાગટ્ય કરી પ્રાચીન ગરબીની શરૂઆત કરવામાં આવે છે.
આ ગરબીમાં 180 જેટલી નાની મોટી બાળાઓ રાસ રમી માતાજીની આરાધના કરે છે. બાળાઓ ભુવા રાસ,સળગતી ઈંઢોણીનો રાસ,પીપળી રાસ,પટેલ પટલાણી રાસ તેમજ પ્રખ્યાત મહિષાસુર વધનો રાસ રજૂ કરે છે. ત્રીજા નોરતે વણઝારી ચોકની બાળાઓએ મહિષાસુર વધ અને સળગતી ઈંઢોણીનો રાસ રજૂ કર્યો હતો. વિનામૂલ્યે આયોજિત આ ગરબીમાં બાળાઓને દરરોજ લાહણીનું પણ વિતરણ કરવામાં આવે છે. દશેરાના હવન બાદ બાળાઓને ગરબી સંચાલકો દ્વારા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.