/connect-gujarat/media/media_files/2025/10/20/diwali-2025-10-20-12-40-12.jpg)
દિવાળી, ભારતનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર છે.
દિવાળીનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પણ ખૂબ ઊંડું છે, જે આ તહેવારને વધુ ખાસ બનાવે છે. દીવાળી પ્રકાશ, દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી શુભ સમય માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે.
ગુજરાતમાં આ દિવસે ચોપડા પૂજન કરવાની વિશેષ પરંપરા છે. આ પૂજાથી વેપારીઓ દેવી લક્ષ્મીને રિઝવવા અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે.
ગુજરાતમાં દિવાળીના દિવસે ચોપડા પૂજન અથવા શરદ પૂજા ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ નવી ખાતાવહીની પૂજા કરીને દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને ભગવાન ગણેશના આશીર્વાદ મેળવે છે, જેથી આવનારું વર્ષ નફાકારક અને સમૃદ્ધ રહે.
ધાર્મિક ગ્રંથો અનુસાર, દિવાળીનો દિવસ નવી સૃષ્ટિના આરંભનું પ્રતીક છે, જેને આસોની અમાસના રૂપમાં ‘કાલરાત્રિ’ પણ કહેવાય છે. ભગવાન વિષ્ણુએ રાજા બલિની દાનશીલતાથી પ્રસન્ન થઈને તેને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને દિવાળીના દિવસે તેમની યાદમાં આ તહેવાર ઉજવવાનું વચન આપ્યું. આ ઉપરાંત, ત્રેતાયુગમાં ભગવાન રામે રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરતાં નગરજનોએ દીપો પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું, જે દિવાળીના દીપોત્સવનું મૂળ માનવામાં આવે છે.
દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા માટે ખાસ સામગ્રીનો ઉપયોગ થાય છે, જેમાં લાલ, ગુલાબી કે પીળા રંગના વસ્ત્રો, ગુલાબ અને કમળનાં ફૂલ, નારિયેળ, ચોખા, અને ગાયનું ઘી કે તલના તેલનો પણ ઉપયોગ થાય છે. આ સામગ્રી દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને તેનો ઉપયોગ કરવાથી ભક્તો પર માતાજીની કૃપા વરસે છે. પૂજા દરમિયાન શુદ્ધ આસન પર બેસીને દીપ પ્રગટાવવામાં આવે છે, જે જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ વિધિથી ભક્તો સમૃદ્ધિ, જ્ઞાન અને સફળતાની કામના કરે છે.