શિવજીની પ્રાચીન નગરી વારાણસી
માઁ ગંગાના કિનારે વસેલું શહેર
સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા 85 ઘાટ
મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર થાય છે અગ્નિસંસ્કાર
મણિકર્ણિકા ઘાટ જગતનું સૌથી પવિત્ર સ્મશાન છે
કનેક્ટ ગુજરાતની ટીમે કર્યા વિવિધ ઘાટના દર્શન
ઉત્તર પ્રદેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખતા વારાણસી શહેર માઁ ગંગા કિનારે વસેલું છે,ભોલેની નગરી તરીકે ઓળખાતા આ પ્રાચીન નગરને અહીંયાના વિવિધ 85 ઘાટ થકી પણ એક અલગ ઓળખ મળી છે.ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા ઘાટની મુલાકાત લઈને ધાર્મિક મહાત્મ્ય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વિશ્વનું સૌથી જૂનું શહેર એટલે વારાણસી કહો કે બનારસ કે કાશી.આમ તો જે શહેર ભોલે કી નગરી એટલે કે ભગવાન શિવનું શહેર કહેવાતું હોય તેને 'ખાસ' હોવા માટે અન્ય કોઈ કારણની જરૂર જ ન હોય ! પણ તેમ છતાં આ શહેર ખરેખર સાવ અનોખું છે.દેશમાં માત્ર બાર સૌથી મહત્વના શિવ મંદિરો આવેલા છે,જેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ. વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિરએ એક અત્યંત મહત્વનું મંદિર છે.આ ઉપરાંત અહીંયા અનેક પ્રાચીન મંદિરો પણ છે.જ્યારે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ખાતે થતી આ ગંગા આરતી જેટલી અલૌકિક છે એટલી જ ભવ્ય અને આકર્ષક પણ છે. પ્રચંડ જનમેદની વચ્ચે પૂજારીઓ દ્વારા અત્યંત શિસ્તબદ્ધ રીતે કરવામાં આવતી ગંગા આરતી એ કોઈ પણ નાસ્તિકને પણ આસ્તિક બનાવી દેવા સમર્થ છે!
વારાણસીમાં ગંગા કિનારે આશરે 85 જેટલા ઘાટ આવેલા છે. દશાશ્વમેઘ, અસ્સી, રેવા, કેદાર, માનસરોવર, નારદ, દરભંગા, મીરા વગેરે દરેક ઘાટના નામ પાછળ એક ઐતિહાસિક વાર્તા છે.ગંગામાં બોટિંગ કરતા કરતા વિવિધ ઘાટ વિશે વાર્તા સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. મણિકર્ણિકા ઘાટએ જગતનું સૌથી પવિત્ર સ્મશાન કહેવાય છે.કાશી વિશ્વનાથ મંદિરથી ચાલીને નજીકમાં જ મણિકર્ણિકા ઘાટ દ્વાર છે, આ દ્વારમાં પસાર થઈને સાંકડા ગલી-ખાચાઓમાંથી પસાર થઈને મણિકર્ણિકા ઘાટ પહોંચી શકાય છે.
વારાણસીમાં ઘાટએ ગંગા નદીના કિનારે જવા માટે નદી કિનારે આવેલા પગથિયાં છે. શહેરમાં 85 ઘાટ છે. મોટાભાગના ઘાટ સ્નાન અને પૂજા વિધિના ઘાટ છે, જ્યારે બે ઘાટ, મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ફક્ત અગ્નિસંસ્કાર સ્થળ તરીકે ઉપયોગમાં લેવાય છે.
પુરાણો અનુસાર નદી કિનારે પાંચ મુખ્ય ઘાટ છે,જે પવિત્ર કાશી શહેરની એક વ્યાખ્યાયિત વિશેષતા સાથે સંકળાયેલા હોવાને કારણે મહત્વપૂર્ણ છે. અસ્સી ઘાટ, દશાશ્વમેઘ ઘાટ, મણિકર્ણિકા ઘાટ, પંચગંગા ઘાટ, રાજેન્દ્ર પ્રસાદ ઘાટ અને આદિ કેશવ ઘાટ.કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા પ્રાચીન નગરી વારાણસીના પ્રવાસ દરમિયાન આ વિવિધ ઘાટની મુલાકાત કરવામાં આવી હતી,અને અહીંયાના મહાત્મ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.