ઓમાનના દરિયામાંથી એક અત્યંત કરૂણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. આ ભયાનક દરિયાઈ દુર્ઘટનામાં જહાજ પર સવાર કુલ 14 ખલાસીઓમાંથી બે ગુજરાતી ખલાસીઓના કમનસીબ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 12 ખલાસીઓને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કમનસીબ ખલાસીઓની ઓળખ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા તરીકે થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલું સલાયાનું આ માલવાહક જહાજ ‘મહેબૂબ એ બુખારી’ હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર BDI 1415 છે. આ જહાજ ગત 3 જુલાઈના રોજ દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને આફ્રિકાના જીબુટી જવા માટે રવાના થયું હતું.જહાજ જ્યારે ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક હવામાન પલટાયું હતું અને દરિયામાં તોફાન શરૂ થયું હતું. ઊંચા ઉછળતા મોજાં વચ્ચે જહાજના બંને મુખ્ય એન્જિન એકસાથે એકાએક ફેઈલ થઈ ગયા હતા. જહાજને નિયંત્રિત કરવાના અને ડૂબતું બચાવવાના તમામ આખરી પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે જહાજમાં પાણી ભરાવા લાગતાં અને તે જળમગ્ન થવાની અણી પર હોવાથી, ટંડેલે સમયસૂચકતા વાપરીને તમામ 14 ક્રૂ મેમ્બરોને પોતાનો જીવ બચાવવા તાત્કાલિક દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.

અતિશય ખરાબ હવામાન અને દરિયાના જોરદાર કરંટના કારણે કમનસીબે બે ખલાસીઓ સમયસર તરી શક્યા નહીં અને ડૂબી જવાથી તેમના મોત થયા હતા. જોકે, અન્ય 12 ખલાસીઓ માટે ઓમાન નેવી અને નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય બે ભારતીય જહાજો “અલ હાજી હસન” અને “સફિના અલ નૂરે ઇલાહી” વહારે આવ્યા હતા. આ તમામ સંસ્થાઓએ યુદ્ધના ધોરણે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને મોતના મુખમાંથી 12 ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.