ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામની પ્રાથમિક શાળાના મકાનનો શેડ પડી ભાંગ્યો છે. જેના કારણે મધ્યાહન ભોજન લેતી વેળા બાળકો ધોમ ધખતા તાપમાં શેકાય રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામની પ્રાથમિક શાળામાં 500થી વધુ બાળકો ધોરણ 1થી 8માં અભ્યાસ કરે છે. જોકે, શાળામાં મધ્યાહન ભોજન નો શેડ ન હોવાના કારણે બાળકો ભર ઉનાળે 40 ડીગ્રી તાપમાં ભોજન લેવા મજબુર બન્યા છે. એટલું જ નહીં બાળકો ધૂળના ઢગલા પર બેસી મધ્યાહન ભોજન લઈ રહ્યા છે.
કાળાપણ પ્રાથમિક શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર, શાળામાં માત્ર 10થી 12 ઓરડા સારા છે. અને બાકીના તમામ ઓરડા જર્જરિત હાલતમાં આવી ગયા છે. જોકે, શાળાના 6 ઓરડા સાવ જર્જરિત થતાં તોડી પડાયા છે. જેના કારણે બાળકોને હવે 10-12 ઓરડામાં સમાવવા મુશ્કેલ બન્યું છે. જેથી 2 પાળીમાં શાળા ચલાવવાની આચાર્યને ફરજ પડી છે.
જોકે, થોડા દિવસો પહેલા ઉનાના અંજાર ગામેથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે કાળાપણ ગામની પ્રાથમિક શાળાની પણ આવી જ હાલત રહેતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં શાળામાં મધ્યાહન ભોજન બનાવનાર પણ વર્ષ 2021થી કોઈ ન હોવાના કારણે મદદનીશ રાખવાની ફરજ પડી છે. ઉપરાંત શાળામાં શિક્ષકોની ઘટ હોવાનું પણ બહાર આવતા ઉનાના ધારાસભ્ય પૂજા વંશે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.