/connect-gujarat/media/media_files/2025/12/05/imd-2025-12-05-12-45-04.jpg)
ભારતીય હવામાન વિભાગ (IMD)એ વિવિધ ટેક્નિકલ અને વહીવટી પદો પર કુલ 134 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે.
24 નવેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ I માટે 64, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ II માટે 29, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ III માટે 13 અને પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E માટે 1 છે. સાથે જ 25 સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને એક એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની જગ્યાઓ પણ સામેલ છે. IMD અનુસાર, દરેક પદ માટે નિયત પગારધોરણ છે, જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ કેટેગરીના પદો પર પગાર 1.20 લાખથી વધુ સુધી પહોંચી શકે છે.
IMDએ પદ મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂરિયાતો સ્પષ્ટ કરી છે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E, III અને II માટે સંબંધિત ક્ષેત્રમાં PhD અથવા M.Tech સાથે M.Sc અથવા B.Techને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, અને અનુક્રમે 11, 7 અને 3 વર્ષનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ I માટે M.Sc અથવા B.Tech આવશ્યક છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે સાયન્સ, IT, ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકોમ ક્ષેત્રમાં સ્નાતક ડિગ્રી જરૂરી છે, જ્યારે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટે કોઈપણ પ્રવાહની સ્નાતક ડિગ્રી અને કમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ફરજિયાત ગણવામાં આવ્યું છે.
વય મર્યાદા પણ પદ મુજબ નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E માટે મહત્તમ ઉંમર 50 વર્ષ, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ III માટે 45 વર્ષ, સાયન્ટિસ્ટ II માટે 40 વર્ષ અને સાયન્ટિસ્ટ I માટે 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. સાયન્ટિફિક તેમજ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ પદો માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. અનામત શ્રેણીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે. IMDની આ ભરતી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક સાબિત થઈ શકે છે.