Connect Gujarat
શિક્ષણ

સુરત : શિક્ષણ સંઘના પ્રમુખનો શિક્ષિકા સાથેની વાતચીતનો ઓડિયો વાઈરલ

શિક્ષણ સંઘના પ્રમુખે કરી શિક્ષિકા પાસે રૂપિયાની માંગણી, બન્ને વચ્ચેની વાતચીતનો ઓડિયો થયો છે ખૂબ વાઈરલ.

X

સુરત જીલ્લા શિક્ષણ સંઘના પ્રમુખની એક શિક્ષિકા સાથેની વાતચીતનો ઓડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મહુવા તાલુકાના ધોળીકુઈ ખાતે ફરજ બજાવતી મહિલા શિક્ષિકા પાસે 4 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાલ એક ઓડિયો ક્લીપ ખૂબ જ વાઈરલ થઇ છે. આ ઓડિયો ક્લીપમાં સુરત જીલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલે મહુવા તાલુકાના ધોળીકુઈ ખાતે ફરજ બજાવતી મહિલા શિક્ષિકા પાસે કોઈ કારણસર 4 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર ઘટના પર નજર કરીએ તો કલાવતી ગામીત નામના મહિલા શિક્ષિકા થોડા સમય અગાઉ માંગરોળ તાલુકાના પાનસરા ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે કોઈક અંગત કારણોસર તેમણે ફરજ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ થોડા જ સમયમાં ફરીથી રાજીનામું પરત ખેંચી શિક્ષક તરીકે જોડવા માંગતા હતા, ત્યારે તેને લઇ આ શિક્ષિકા પાસેથી રૂપિયા 4 લાખ જેટલી રકમ માંગવામાં આવી હતી. જોકે, શિક્ષિકા દ્વારા 4 લાખ પૈકીના 1 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. અને બાકીના પૈસા નહી આપતા શિક્ષિકાને માનસિક રીતે ખૂબ જ હેરાન કરવામાં આવતી હતી. શિક્ષિકાનું માનીએ તો હેરાનગતીને લઇ શિક્ષિકા આત્મહત્યા કરવા સુધીના વિચારે પહોચી ગઈ હતી. સમગ્ર ક્લીપ ધ્યાનથી સાંભળવામાં આવે તો શિક્ષણ નિયામકના નામે પૈસા માંગવામાં આવી રહ્યા છે, ત્યારે મહિલા શિક્ષિકા ધ્વારા મીડિયાને જણાવ્યું હતું કે, મારી પાસે આ પૈસા જીલ્લા શિક્ષણ અધિકારી વતી કિરીટ પટેલ માંગી રહ્યા હતા.

જોકે સમગ્ર બાબતે મહિલા શિક્ષિકાએ જેના પર આક્ષેપ કર્યો છે, તેવા જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ રદિયો આપી રહ્યા છે કે, આ ઓડિયો ક્લીપ એડિટ કરી મને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અનેક સંઘો છે અને જેને લઈ એમને વિરોધીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. જોકે, સમગ્ર બાબતે જેના પર ગંભીર આક્ષેપ થયા છે અને જેના વતી પૈસાની માંગણી કરવામાં આવી છે, તેવા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દીપક દરજી પણ આ વાતને રદિયો આપી રહ્યા છે, અને શિક્ષિકા પાસે કોઈ પણ જાતના પૈસાની માંગણી નહી કરી હોવાનો દાવો કરી રહ્યા છે.

Next Story