-
ધરમપુરની સ્વામિનારાયણ સ્કૂલ વિવાદમાં આવતા ચકચાર
-
સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી
-
બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ખંખેરાયા
-
હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવ્યું
-
વિવાદ વકરતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ ગયું
બોર્ડની પરીક્ષા શરૂ થવા પહેલા જ વલસાડના ધરમપુરની એક શાળા વિવાદમાં આવી છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલ સંચાલકો દ્વારા હોલ ટિકિટના નામે રૂ. 2500 પડાવ્યા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. જોકે, વિવાદ વધતા આખરે શિક્ષણ વિભાગ પણ દોડતું થઈ જરૂરી તપાસ હાથ ધરી છે.
આગામી તા. 27મી ફેબ્રુઆરીથી ધોરણ 12 અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આથી અત્યારે સ્કૂલો દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. જોકે, ધરમપુરના માલનપાડામાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ પાસેથી હોલ ટિકિટના સાથે રૂ. 2500 ખંખેરી લીધા હતા.
આમ કોઈ કારણ વિના સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી કરવામાં આવેલી આ રૂ. 2500ની ઉઘરાણીનો મામલો ચર્ચાસ્પદ બનતા વિવાદ શરૂ થયો હતો. શિક્ષણ વિભાગને ધ્યાન આવતા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી હતી, અને શિક્ષણ વિભાગની ટીમ ધરમપુરના માલનપાડા સ્કૂલ પહોંચી અને સંચાલકો અને સ્કૂલ સ્ટાફની પૂછપરછ કરી હતી.
જોકે, વાત બહાર આવી જતા અને વિવાદ વકરતા સ્કૂલ સંચાલકો દ્વારા રૂ. 2500 ધોરણ 11ની રજીસ્ટ્રેશન ફીના હોવાનું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે. જે રૂ. 2500ની ઉઘરાણી માટે જે રીસીપ્ટો આપવામાં આવી છે, તે રીસીપ્ટોને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી, અને શાળા સંચાલકો અને આચાર્યનો જવાબ લીધો હતો. તપાસમાં પણ શાળાએ ગેરકાયદેસર રીતે ફી ઉઘરાવી હોવાનું બહાર આવ્યું છે. આથી 2 દિવસમાં જ ઉઘરાવેલી ફી વિદ્યાર્થીઓના વાલીઓને પરત કરવા શિક્ષણ અધિકારીએ આદેશ કર્યા છે. આ સાથે જ આ ગેરરીતી બદલ શાળાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે.