સિનેમા પ્રેમીઓ માટે 2027 ના ઓસ્કાર એવોર્ડ્સ ખૂબ જ રોમાંચક રહેવાના છે! સામાન્ય રીતે, નિયમ એવો છે કે કોઈપણ દેશ ઓસ્કાર એવોર્ડ્સમાં પોતાની તરફથી માત્ર એક જ સત્તાવાર ફિલ્મ મોકલી શકે છે.

આ વર્ષે ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ એ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ગોંધલ’ની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, નાગાલેન્ડની એક શાનદાર ફિલ્મ ‘અંગ’ પણ સત્તાવાર એન્ટ્રી ન હોવા છતાં ઓસ્કાર 2027 ની રેસમાં સામેલ થઈ ગઈ છે.

‘અંગ’ ભારતની સત્તાવાર એન્ટ્રી નથી, તેમ છતાં તેને ઓસ્કારમાં સ્થાન મળવા પાછળનું મુખ્ય કારણ એક નવો નિયમ અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મળેલી મોટી જીત છે.ઓસ્કાર 2026 થી એકેડેમીએ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જે મુજબ, જો કોઈ બિન-અંગ્રેજી ફિલ્મ દુનિયાના 6 પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ (જેમ કે TIFF, કાન, બર્લિન, વેનિસ, બુસાન અને સનડાન્સ) માં કોઈ ચોક્કસ મોટો એવોર્ડ જીતે, તો તેને ઓસ્કારની ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં સીધી જ વિચારણા માટે લઈ શકાય છે.

20 સપ્ટેમ્બર 2026 ના રોજ ‘અંગ’ ફિલ્મે TIFF માં ‘પ્લેટફોર્મ એવોર્ડ’ અને 20,000 કેનેડિયન ડોલરનું ઇનામ જીત્યું. આ જીતને કારણે ‘અંગ’ ને દેશની સત્તાવાર એન્ટ્રી બન્યા વિના જ ઓસ્કાર સુધી પહોંચવાનો સીધો અને અલગ રસ્તો મળી ગયો.

— શું છે ‘અંગ’ની વાર્તા?

‘અંગ’ 1962-1963 ના સમયગાળાના નાગાલેન્ડની વાર્તા છે, જ્યારે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળવાનો બાકી હતો.આ ફિલ્મ કોન્યાક (Konyak) સમુદાય પર આધારિત છે, જે પ્રકૃતિ પૂજા અને દુશ્મનોના માથા કાપવાની પ્રથા (હેડહંટીંગ) માટે જાણીતો હતો.