જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષીને જામનગરની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો વર્ષ 2015નો છે જ્યારે જામનગરના વેપારી અશોક લાલે ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરને 1 કરોડ રૂપિયાની લોન આપી હતી. રાજકુમાર સંતોષીએ લોન ચૂકવવાના બદલામાં અશોક લાલને 10-10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા. પરંતુ બાદમાં આ ચેક બાઉન્સ થયા હતા. જ્યારે અશોક લાલે આ અંગે રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તે ગાયબ થઈ ગયા, ત્યારબાદ અશોક લાલે કોર્ટમાં કેસ દાખલ કર્યો. આવી સ્થિતિમાં હવે કોર્ટે નિર્દેશકને સજા સંભળાવી છે.
જ્યારે કોર્ટે આ કેસમાં રાજકુમાર સંતોષીને સમન્સ જારી કર્યા અને દરેક બાઉન્સ ચેક માટે 15000-15000 રૂપિયાનો દંડ લાદ્યો, ત્યારે ડિરેક્ટરે સમન્સ સ્વીકાર્યું નહીં. બાદમાં જ્યારે સમન્સ સ્વિકાર્યા ત્યારે સુનાવણી દરમિયાન તે કોર્ટમાં હાજર થયા નહીં. આવા સંજોગોમાં આજે જામનગરની કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની જેલની સજા ફટકારી છે. જેના કારણે હવે ડાયરેક્ટરને 1 કરોડને બદલે 2 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.