/connect-gujarat/media/media_files/2025/11/22/mandhana-2025-11-22-17-09-23.jpg)
ભારતીય ક્રિકેટ જગતમાં ધમાકેદાર ઇતિહાસ રચનાર સ્મૃતિ મંધાના અને બોલિવૂડના પ્રતિભાશાળી મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલના જીવનમાં ખુશીઓનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે.
ઇન્દોરમાં 23 નવેમ્બરે થનારી તેમની શાદી પહેલા યોજાયેલી હલદી સેરેમનીના રંગબેરંગી દ્રશ્યો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યા છે. ગત શુક્રવારે યોજાયેલી આ હલદી સેરેમનીમાં ગીત-સંગીત, મસ્તી અને મિત્રતા એકસાથે ઝળહળી ઉઠ્યા હતા. પલાશ મુછાલ પિચકારી વડે રંગ ઉડાડતા અને સ્મૃતિ મંધાના ખેલખલાટ સાથે સ્મિત બિખેરતા જોવા મળ્યા હતા. હલદીના પીળા રંગમાં રંગાયેલી ઈન્ડિયન ક્રિકેટ ટીમની મહિલાઓ બોલિવૂડના લોકપ્રિય ગીતો પર નાચતા નજરે ચડતા હતા, જ્યારે કેટલાક વીડિયોમાં સ્મૃતિ અને પલાશનો એકસાથે કર્યો ડાન્સ ફેન્સના દિલ જીતી રહ્યો હતો. ટ્રેનર ઉમેશ કાંબલેએ શેર કરેલા વીડિયોમાં બંને પરિવારો અને મિત્રોનું ઊર્મિભર્યું જોડાણ દેખાઈ રહ્યું છે.
આ પહેલાં સ્મૃતિ મંધાનાએ પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને તેમની સગાઈની ચમક દુનિયાને દેખાડી હતી. વીડિયોમાં તે પોતાની ટીમ સાથે ‘સમજો હો હી ગયો’ ગીત પર કોરિયોગ્રાફ્ડ પર્ફોર્મન્સ કરતી નજરે ચડતી હતી અને અંતમાં કેમેરા તરફ પોતાની એન્ગેજમેન્ટ રિંગ બતાવતી હતી. આ જ ક્ષણે તેણે જાહેરમાં પ્રથમ વાર પોતાની સગાઈની સત્તાવાર પુષ્ટિ કરી હતી. બીજી તરફ પલાશ મુછાલે પણ આ સંબંધની સફરને યાદગાર બનાવતા ડીવાય પાટીલ સ્ટેડિયમમાં એક ખાસ પ્રપોઝલ વીડિયો શેર કર્યો હતો, જે સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે 2025નો વર્લ્ડ કપ જીત્યો હતો. એ જ સ્થળે પલાશે સ્મૃતિને પ્રપોઝ કરીને આ રોમાંટિક પળને હંમેશા માટે અનમોલ બનાવી દીધી હતી.
છેલ્લા છ વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા આ બંને પ્રતિભાશાળી યુગલો હવે સત્તાવાર રીતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા તૈયાર છે. ભારતને વન-ડે વર્લ્ડ કપ જીતાડવાની ઐતિહાસિક પળ બાદ સ્મૃતિ અને પલાશે તેમના લગ્નની જાહેરાત કરી જે પછીથી તેમના ફેન્સ અને ક્રિકેટ-સંગીત જગત બંનેમાં ખુશીની લહેર ફરી વળી છે. હલદી સેરેમનીના ગરબા, સંગીત અને ખુશીના રંગો હવે તેમની શાદીના ભવ્ય ઉત્સવની રાહ બતાવી રહ્યા છે, જ્યાં બે અલગ ક્ષેત્રના આ તેજસ્વી સ્ટાર્સ એકબીજાના જીવનમાં નવી શરૂઆત કરશે.