નવાઝુદ્દીન સિદ્દીકીએ તાજેતરમાં તેના ભાઈ શમસુદ્દીન અને અલગ રહેતી પત્ની અંજના પાંડે (આલિયા) સામે બોમ્બે હાઈકોર્ટમાં ૧૦૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડયો છે.
નવાઝુદ્દીને તેમના દ્વારા કરવામાં આવેલા ભ્રામક દાવાઓને કારણે કથિત રીતે બદનક્ષી અને ઉત્પીડન માટે ૧૦૦ કરોડ રૂપિયાની નુકસાનની માગણી કરી છે. આ સાથે જ આ બન્નેને તેની બદનામી કરતા કાયમી ધોરણે રોકવા મનાઈ હુકમની માંગ કરી છે. આ બાબતની સુનાવણી ૩૦ માર્ચે થાય તેવી શક્યતા છે. નવાઝુદ્દીને આરોપ કર્યો હતો કે તેણે તેના ભાઈ પર આંધળો વિશ્વાસ કરી તેના ડેબિટ, ક્રેડિટ કાર્ડ પણ સોંપી દીધા હતા. આ સાથે જ સહી કરેલી ચેકબુક, બેંકના પાસવર્ડ જેવી મહત્ત્વની વિગતો પણ તેને આપી અભિનય પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જોકે શમસુદ્દીને તેની સાથે છેતરપીંડી કરી હતી. તેણે નવાઝુદ્દીનને નામે મિલકતો ખરીદી હોવાનું જણાવી ખરેખર તો બન્નેના નામે જોઈન્ટમાં મિલકતો ખરીદી હતી. નવાઝુદ્દીને જ્યારે આ બાબતે તેનો સામનો કર્યો ત્યારે શમસુદ્દીને નવાઝુદ્દીનથી અલગ રહેતી તેની પત્નીને તેની સામે ખોટા કેસ કરવા ઉશ્કેર્યો હતો. નવાઝુદ્દીને એવો દાવો કર્યો હતો કે શમસુદ્દીન અને તેની અલગ રહેતી પત્નીએ ૨૦ કરોડ રૂપિયાનો દુરુપયોગ કર્યો હતો.