હૈદરાબાદમાં અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો અને વિરોધ કર્યો. આ કેસમાં જેએસી નેતાઓ પર તોડફોડનો આરોપ છે અને પોલીસે જેએસીના નેતાઓની અટકાયત કરી છે.
પ્રદર્શનકારીઓએ અભિનેતાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને તેમની માંગણીઓ માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જેએસીના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ કેસમાં 8 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સમયે અલ્લુ અર્જુન તેના ઘરે હાજર ન હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વધારી દીધી છે અને દેખાવકારોને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે.
નોંધનીય છે કે, આ પહેલા અભિનેતા અર્જુને એક પોસ્ટ શેર કરી હતી જેમાં લોકોને કોઈપણ રીતે ગેરવર્તન ન કરવા વિનંતી કરવામાં આવી હતી. વધતા વિવાદ વચ્ચે, અલ્લુ અર્જુને દરેકને અપીલ કરી હતી કે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોઈપણ પ્રકારની અભદ્ર વર્તન અથવા ભાષાનો ઉપયોગ ટાળે. અલ્લુએ તેના ચાહકોને આદર અને સકારાત્મકતા જાળવવા માટે પણ વિનંતી કરી હતી, જ્યારે જવાબદાર વર્તનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને તેના અનુયાયીઓને બિનજરૂરી તકરાર ટાળવા વિનંતી કરી હતી.