/connect-gujarat/media/media_files/2025/07/15/test-2025-07-15-10-11-00.jpg)
લોર્ડ્સ ટેસ્ટમાં રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ભારત પાસે 193 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર જ તૂટી પડી હતી.
જાડેજા એક છેડે ઉભા રહ્યા અને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમ હવે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. પાંચમા અને છેલ્લા દિવસે ભારતને 135 રનની જરૂર હતી. જ્યારે 6 વિકેટ હાથમાં હતી. પરંતુ પંત, રાહુલ અને રેડ્ડી સહિત કોઈ બેટ્સમેન ઈગ્લેન્ડ સામે ટકી શક્યો નહીં અને ભારતને હારનો સામનો કરવો પડ્યો. બંને ટીમો વચ્ચે શ્રેણીની ચોથી મેચ 23 જૂલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.
લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે બીજી ઇનિંગમાં ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી. તેણે બીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી, જે પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્યારબાદ ભારતીય ટીમે રમતના ચોથા દિવસે કરુણ નાયર (14 રન), કેપ્ટન શુભમન ગિલ (6 રન) અને નાઈટવોચમેન આકાશ દીપ (1 રન) ની વિકેટ ગુમાવી દીધી. પાંચમા દિવસે પણ ભારતની નબળી લય ચાલુ રહી અને જાડેજા સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહીં.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ: સુંદરની શાનદાર બોલિંગ
ઇંગ્લેન્ડ માટે જો રૂટે બીજી ઇનિંગમાં સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સ (33 રન), હેરી બ્રુક (23 રન) અને જેક ક્રોલી (22 રન) પણ ઉપયોગી ઇનિંગ રમવામાં સફળ રહ્યા હતા. જમણા હાથના સ્પિનર વોશિંગ્ટન સુંદરે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ મેળવી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. નીતિશ કુમાર રેડ્ડી અને આકાશ દીપને પણ એક-એક વિકેટ મળી હતી.
ભારતનો પ્રથમ ઇનિંગ: રાહુલની સદી, જાડેજા-પંત પણ ચમક્યા
ભારતીય ટીમ માટે ઓપનર કેએલ રાહુલે પ્રથમ ઇનિંગમાં મજબૂત રમત બતાવી હતી. રાહુલે 177 બોલનો સામનો કર્યો અને 100 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે. રાહુલની ટેસ્ટ કારકિર્દીની આ દસમી સદી હતી, જેમાંથી 9 સદી વિદેશી ધરતી પર બની છે. વાઈસ કેપ્ટન પંત (74 રન) અને રવિન્દ્ર જાડેજા (72 રન) એ પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર અને કેપ્ટન બેન સ્ટોક્સને બે-બે વિકેટ મળી હતી. સ્પિનર શોએબ બશીર અને બ્રાઇડન કાર્સે પણ એક-એક વિકેટ લીધી હતી.