લગભગ 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની સુપરહિટ જોડી ફરી એકવાર 'ભાગમ ભાગ 2'થી ધૂમ મચાવવા આવી રહી છે. 2006માં આવેલી કોમેડી ફિલ્મ 'ભાગમ ભાગ'ની આ સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.બ્લોકબસ્ટર કોમેડી અને લોટપોટ કરનારી પાગલપનની આ દુનિયા પરત ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા. હવે આટલા સમય પછી, આ મોસ્ટ અવેઇટેડ સિક્વલ ફરી એકવાર એ જ જૂના કલાકારો સાથે વાપસી કરી રહી છે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલમાં પરંતુ નવા અંદાજમાં જોવા મળશે. 'ભાગમ ભાગ'ને જાણીતા નિર્દેશક પ્રિયદર્શનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. રોઅરિંગ રિવર પ્રોડક્શન્સની સરિતા અશ્વિન વર્દે દ્વારા તાજેતરમાં આ ફિલ્મની સિક્વલ માટેના અધિકારો શેમારૂ એન્ટરટેઈનમેન્ટ પાસેથી હસ્તગત કરવામાં આવ્યા છે, જેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહી છે. તે શેમારૂ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે.