દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, સરકારો બદલાઈ, વિકાસના મોટા-મોટા દાવા થયા, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું ખુટા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે.
નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ ખુટા આંબા ગામની સ્થિતિ એવી છે કે, જાણે વિકાસ અહીં સુધી પહોંચ્યો જ નથી. ગામલોકોના જણાવ્યા મુજબ, વર્ષો સુધી ચૂંટાઈને આવતા સંસદ સભ્યો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ ગામનો રસ્તો પકડે છે. ચૂંટણી બાદ વિકાસના તમામ વાયદાઓ કાગળ પર જ રહી જાય છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખુટા આંબા ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પશુ દવાખાનાની ઇમારત પણ બિસ્માર હાલતમાં પડી છે, જેના કારણે પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિકાસના નામે કરોડો રૂપિયાના દાવા કરવામાં આવે છે, પરંતુ ગામમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. જોકે, આ ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ પણ અત્યંત જોખમી બની ગયો છે.
રસ્તા પર આવેલું નાળું તૂટેલી હાલતમાં હોવાથી વરસાદ દરમિયાન ગ્રામજનોનો સંપર્ક કપાઈ જવાની સ્થિતિ સર્જાય છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને જીવના જોખમે અવરજવર કરવી પડે છે, ત્યારે હવે ખુટા આંબા ગામમાં તાત્કાલિક પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
