-
ધ્રાંગધ્રાનું કોંઢ ગામ બન્યું પોલીસ છાવણી
-
ખેતરો બચાવવા ખેડૂતો રસ્તા પર ઉતર્યા
-
યોગ્ય વળતર વિના કામગીરી બંધ કરવા માંગ
-
પોલીસ અને ખેડૂતો સામસામે,44 ખેડૂતોની અટકાયત
-
ન્યાયની માંગ સાથે ખેડૂતો ખેતરોમાં જ દટાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઈનના થાંભલા નાખવાની કામગીરીને લઈને ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ પોતાના ખેતરો અને આજીવિકા બચાવવા માટે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે ઉપજાઉ જમીનમાંથી વીજ લાઇન પસાર થવાને કારણે ખેતીને મોટું નુકસાન થશે અને ભવિષ્યમાં ખેતી કરવી મુશ્કેલ બનશે. યોગ્ય વળતર અને લેખિત ખાતરી વિના કામગીરી શરૂ ન કરવા માટે ખેડૂતો પોતાના ખેતરોમાં જ ડટી રહ્યા હતા. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે એક્શન લીધા છે અને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગામમાંથી કુલ 44 જેટલા ખેડૂતોની અટકાયત કરી તેમને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે. ખેડૂતોની અટકાયત થતાં જ સમગ્ર ગામમાં ભારે રોષનો માહોલ વ્યાપી ગયો છે.
આ વિરોધને જોતા કોંઢ ગામ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો એક વિશાળ કાફલો ગામમાં તૈનાત કરી દેવાયો છે. જેમાં જિલ્લા પોલીસવડા, એએસપી, ડીવાયએસપી અને પીઆઇ સહિત અલગ-અલગ પોલીસ મથકોના અંદાજે 400થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવી દેવામાં આવ્યા છે. અગાઉ પણ જ્યારે સર્વેની કામગીરી થઈ હતી,ત્યારે ખેડૂતોએ વિરોધ કર્યો હતો, પરંતુ આજે તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે પોલીસના જોરે કામગીરી આગળ ધપાવી રહ્યું છે.
