/connect-gujarat/media/media_files/2025/11/08/sleep-2025-11-08-13-28-14.jpg)
આજકાલની ભાગદોડભરી અને તણાવસભર જીવનશૈલીમાં લોકો પોતાની ઊંઘની અવગણના કરતા જાય છે, જેના સીધા પ્રભાવ રૂપે વાળ ખરવાની સમસ્યા વધતી જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વાળ આપણા શરીરનો જીવંત અને સંવેદનશીલ ભાગ છે જેને પોષણ અને આરામ બંનેની જરૂર હોય છે. જ્યારે આપણે રાત્રે ઊંઘીએ છીએ, ત્યારે શરીર સ્વાભાવિક રીતે સમારકામ પ્રક્રિયામાં પ્રવેશે છે, જેમાં ત્વચા, પેશીઓ, અને વાળના મૂળોની રિપેરિંગ થાય છે. જો ઊંઘ પૂરતી ન મળે તો આ પ્રક્રિયા અધૂરી રહી જાય છે, જેના કારણે વાળના મૂળ નબળા પડી જાય છે અને સમય પહેલાં વાળ તૂટવા અથવા ખરવા લાગે છે. વધુમાં, ઊંઘની અછત શરીરમાં તણાવ હોર્મોન ‘કોર્ટિસોલ’નું સ્તર વધારતી હોવાથી વાળની વૃદ્ધિ ચક્ર પર પણ નકારાત્મક અસર થાય છે.
વાળની યોગ્ય વૃદ્ધિ અને મજબૂતાઈ માટે ઊંઘ એ તેટલી જ જરૂરી છે જેટલું પૌષ્ટિક આહાર અને યોગ્ય હેર કેર રૂટિન. જો તમે પૂરતી ઊંઘ ન લો તો શરીર વાળ સુધી પૂરતો પોષણ અને ઓક્સિજન પહોંચાડવામાં અસમર્થ બને છે, જેનાથી વાળની ચમક ઘટી જાય છે અને ધીમે ધીમે ટાલ પડવાની સમસ્યા પણ વધી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, જેથી શરીર અને મન બંનેને આરામ મળે. જો તમારી ઊંઘ અશાંત હોય, તો સૂતા પહેલાં ફોન, ટીવી અથવા લેપટોપથી દૂર રહી હળવા સંગીત સાંભળવું અથવા ધ્યાન, પ્રાણાયામ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સાથે જ રાત્રિભોજન હળવું રાખવું અને સૂતા પહેલાં ઓછામાં ઓછા એક કલાકનો વિરામ રાખવો જરૂરી છે. જો તમે દરરોજ એક જ સમયે સૂવા અને જાગવાની ટેવ રાખો છો, તો શરીરનો બાયોલોજિકલ ક્લોક સંતુલિત રહે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. પૂરતી ઊંઘ લેવાથી વાળ મજબૂત બને છે, ત્વચા ચમકદાર બને છે અને ચહેરા પર કુદરતી તેજ દેખાય છે. તેથી, જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો મોંઘા હેર પ્રોડક્ટ્સ કરતા પહેલાં તમારા ઊંઘના સમય પર ધ્યાન આપો, કારણ કે સુંદર અને સ્વસ્થ વાળ માટે ઊંઘ પણ એટલી જ જરૂરી છે જેટલું કોઈ વિટામિન અથવા ટ્રીટમેન્ટ.