અરવલ્લી સેશન્સ કોર્ટે ફટકારી સજા
પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ કેદની સજા
સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી
અરવલ્લી સેશન્સ કોર્ટે શામળાજી પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
હાલ નરાધમો દ્વારા નાની સગીરાઓને ખોટી લોભ લાલચ આપીને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ અચરાતા હોય છે. આરોપીઓને જાણે કોઈ જાતનો ડર ના હોય એટલી હિંમતથી ખરાબ હરકતો કરતા હોય છે, પરંતુ આવી ખરાબ દાનતોવાળા શખસ માટે કોર્ટે કડક કાયદો બનાવ્યો છે અને આવા કાયદા પ્રમાણે પોસ્કો અને દુષ્કર્મ કેસમાં સેસન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વાત છે શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2021ના પોક્સો અને દુષ્કર્મ કેસની. આ કેસનો આરોપી મૂળ રાજસ્થાનનો અને મજૂરી અર્થે ભિલોડા તાલુકાના એક ગામની સગીરા સાથે ગામમાં રહેતો હતો. એ નાતે યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તે દરમિયાન યુવકે સગીરાને જોઈ એક વખત લલચાવી ફોસલાવીને હિંમતનગર અને મહેસાણા અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. કેટલાય દિવસો સુધી આ સગીરાને ધાક ધમકી આપીને ગોંધી રાખતો હતો, પરંતુ એક દિવસ આ સગીરાને તક મળતા તેની બહેન અને માતાને પોતાને આ રીતે રાજસ્થાની યુવક દ્વારા ગોંધી રખાય છે અને હાલ તે મહેસાણા છે એવી જાણ કરી હતી. જેથી આ સગીરાની માતા મહેસાણા ખાતે સગીરાએ આપેલા સરનામા પર પહોંચી સગીરાને ઘરે પરત લઈ આવી હતી. સગીરાને વતનમાં ભિલોડા તાલુકામાં લાવીને સગીરાની હકીકત જાણી શામળાજી પોલીસ સ્ટેશનમાં રાજસ્થાની નરાધમ યુવક સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. જેની તપાસ ભિલોડા પોલીસને સોંપી હતી. ભિલોડા પી.આઇ.એ દુષ્કર્મના આરોપી યુવકને ઝડપી પાડી જેલ હવાલે કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તે મુજબ પોલીસે ઠોસ પુરાવા રજૂ કર્યા હતા અને સરકારી વકીલ દ્વારા આરોપીને વધુને વધુ સજા થાય એવી ધારદાર દલીલો કરતા નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટે નરાધમ આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.