/connect-gujarat/media/media_files/2025/10/04/skti-2025-10-04-21-27-57.jpg)
અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે.
તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને હાલમાં તે પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત પર તેના સીધા લેન્ડફોલનો ખતરો 99% જેટલો ઓછો છે. જોકે, આ સિસ્ટમના કારણે 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. ગોસ્વામીએ ગુજરાતના નાગરિકોને આ વાવાઝોડાને લઈને ગભરાટ ન ફેલાવવા અને ગભરાવવું નહીં તેવી અપીલ કરી છે.
'શક્તિ' વાવાઝોડાનો સંભવિત માર્ગ અને ગુજરાત પરની અસર
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી અને 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ લાવનાર સિસ્ટમ જ અરબ સાગરમાં પ્રવેશી છે. અરબ સાગરનું ઊંચું તાપમાન અને અનુકૂળ હવામાન મળતાં આ સિસ્ટમ મજબૂત બનીને સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે, જેને શ્રીલંકા દ્વારા 'શક્તિ' નામ આપવામાં આવ્યું છે.
ગુજરાત તરફ યુ-ટર્નની શક્યતા: વાવાઝોડું હાલમાં ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાત ઉપર એક ટ્રફ રેખા બનવાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે, જેના કારણે આ સાયક્લોન ફરીથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે. ગોસ્વામીના મતે, આ યુ-ટર્ન ઓમાનથી લગભગ 300 કિલોમીટર દૂર હશે. જોકે, આ યુ-ટર્ન વખતે વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે અને આગળનું હવામાન અનુકૂળ ન હોવાથી તે ગુજરાત સુધી પહોંચતા પહેલાં જ દરિયામાં વિખાઈ જાય તેવી શક્યતાઓ છે. આથી, ગુજરાત ઉપર લેન્ડફોલ થવાની શક્યતા 99% જેટલી ઓછી છે.