અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા સંસ્કાર બંગ્લોઝમાં રહેતા દંપતી સાથે ઇન્વેસ્ટમેન્ટ અને લોન અપાવવાની લાલચ આપી રૂ. 19 લાખની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે અગાઉ આરોપી પતિની ધરપકડ કર્યા બાદ તેની પત્નીની પણ ધરપકડ કરી છે.
અંકલેશ્વરના સંસ્કાર બંગ્લોઝમાં રહેતા સુશીલા ઉર્ફે આરતીબેન શુકલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. સ્થિત વિધિ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે. તેમની સાથે નોકરી કરતા ભાવિક ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ત્રિવેદીએ ‘ગ્રીન માઈન્ડ કન્સલ્ટ’ નામની ફાઈનાન્સ કંપની ચલાવતા હોવાનો પરિચય આપ્યો હતો.
આરોપી દંપતીએ વિવિધ બેંકોમાંથી સરળતાથી મોટી રકમની લોન અપાવી આપવાની ખાતરી આપી હતી. સાથે જ લોનની રકમમાંથી 40 ટકા લાભાર્થીને આપી બાકીના 60 ટકા ભારત સરકારની વિવિધ રોકાણ યોજનાઓમાં રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની તેમજ મળતા નફામાંથી બેંકના હપ્તા પણ પોતે જ ભરવાની લાલચ આપી હતી.
આ લાલચમાં આવી ફરિયાદી દંપતીએ આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો. જોકે બાદમાં ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ. 19 લાખ મેળવી લીધા બાદ આરોપીઓએ વાયદા મુજબ કોઈ લાભ આપ્યો ન હતો. છેતરાયા હોવાની જાણ થતાં ફરિયાદીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અગાઉ આરોપી દંપતી પૈકી ભાવિક ત્રિવેદીની ધરપકડ કરી હતી જ્યારે તેની પત્ની અંકિતા ત્રિવેદીની પણ ધરપકડ કરી છે.
