રામ મંદિરના શિલાન્યાસની ખુશી સમાતી ન હતી ત્યાં અમદાવાદની આગ આંખોમાં લાવી અશ્રુ નિહાળો કનેક્ટ ગુજરાતનું વિશેષ બુલેટિન

New Update
રામ મંદિરના શિલાન્યાસની ખુશી સમાતી ન હતી ત્યાં અમદાવાદની આગ આંખોમાં લાવી અશ્રુ નિહાળો કનેક્ટ ગુજરાતનું  વિશેષ બુલેટિન

અયોધ્યામાં રામમંદિરના ભુમિપુજનની ખુશીમાં સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ઉત્સાહનો માહોલ હતો તેવામાં બુધવારની રાત્રે અમદાવાદમાં હોસ્પિટલમાં આગના કારણે કોરોનાની સારવાર લઇ રહેલાં આઠ દર્દીઓના મોત નીપજવાની ઘટનાએ સૌના કાળજા કંપાવી દીધાં છે

અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે લગભગ 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલમાં આગ લાગતા જ લોકોમાં ભારે દોડાદોડ મચી ગઈ હતી. જોતજોતામાં આગે ICU વોર્ડને લપેટમાં લેતા સંપૂર્ણ વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરના એડિશનલ ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સહિત 35 જેટલા ફાયરના જવાનો અને 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 8 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે. જ્યારે 41 જેટલા ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદની હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ દર્દીઓના પરિવારજનો સ્થળ પર દોડી ગયાં હતાં અને હોસ્પિટલ સત્તાધીશોની બેદરકારી સામે ભારે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસે તે પહેલાં હોસ્પિટલ ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં લાગેલી આગની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવીટ કરી પોતાની સંવેદના વ્યકત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકો તેમજ ઇજાગ્રસ્તોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ, પ્રવકતા ભરત પંડયા સહિતના આગેવાનોએ આગની ઘટનાને દુખદ ગણાવી હતી.

સુરતના તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી ભીષણ આગની યાદો અમદાવાદની આગ વેળા તાજી થઇ હતી. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તથા એફએસએલની ટીમો સ્થળ પર પહોંચી હતી.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ રાજયના આરોગ્યમંત્રી કુમાર કાનાણીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને કોંગ્રેસના આગેવાનોએ દુખદ અને ગંભીર ગણાવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજય સરકાર પર નિશાન સાધ્યું હતું.

સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના ગંભીર છે. રાજયમાં ફાયર સેફટીના કાયદાને લાગુ કરવામાં આવ્યો હોવા છતાં શ્રેય હોસ્પિટલમાં કેવી રીતે આગ લાગી, કોની બેદરકારી હતી અને આઠ હતભાગી દર્દીઓના મોતના જવાબદાર કોણ સહિતના અનેક સવાલો સામે આવીને ઉભા રહયાં છે.

Latest Stories