કોવિડ-19 મહામારી વચ્ચે લોકડાઉનની પરિસ્થિતીમાં ક્રિકેટના મેદાનો પણ સૂમસાન બન્યા છે. એટ્લે કે ક્રિકેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માર્ચ મહિનાથી આઇસીસી દ્વારા પ્રતિબંધ જાહેર કરાયો હતો. ત્યારે હવે લાંબા સમય બાદ ક્રિકેટની ફરીથી શરૂઆત થઈ છે. ઈંગ્લેન્ડના ઘર આંગણે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનું આયોજન કરાયું છે. જેની સૌપ્રથમ મેચ સાઉથહમ્પટનમાં યોજાઇ હતી. દર્શકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાયેલી ઘર આંગણાની પ્રથમ મેચમાં જ વિન્ડીઝે ઈંગ્લેન્ડે માત આપી હતી.
ક્રિકેટમાં પરત ફરવા સાથે જ ઇંગ્લેન્ડને તેના જ ઘર આંગણે વિન્ડીઝે હાર આપી છે. ત્યારબાદ દિગ્ગજોએ વિન્ડિઝ ટીમને શુભકામના પાઠવી છે. રવિવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજેસ બાઉલ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પાંચમાં અને છેલ્લા દિવસે વિન્ડિઝ ટીમે યજમાન ટીમને 4 વિકેટ સાથે હરાવી ઇતિહાસ રચ્યો હતો. ઇંગ્લેન્ડે વિન્ડીઝને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને વિન્ડીઝે 64.2 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 200 રન બનાવી હાંસિલ કરી લીધો હતો. આ સાથે વિન્ડીઝ ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ છે. આ જીત બાદ કેટલાક દિગ્ગજોએ વિન્ડીઝ ટીમને શુભકામના પાઠવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે જીતને લઇને ટ્વીટ કર્યુ, ' બંને ટીમોએ સારૂ પ્રદર્શન કર્યુ. મહત્વના સમયે જેરેમી બ્લેકવુડે મહત્વની ઇનિંગ્સ રમી. આ જીત સાથે સીરીઝમાં સારી શરૂઆત કરી છે.'
વિન્ડીઝના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન લારાએ કહ્યું, ' પ્રથમ ટેસ્ટ મેચમાં વિન્ડીઝની શાનદાર જીત, અભિનંદન જેસન હોલ્ડર અને તેના સાથીઓને. આ સાથે કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટને પણ અભિનંદન જેને આ ખેલાડીઓને તૈયાર કર્યા.'
આ ઉપરાંત વિન્ડીઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સે પણ ટ્વીટ કર્યુ, ' શું જીત છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા સાથે ટેસ્ટ અમે જીતી. ટીમે સારી પ્રદર્શન કર્યુ. આ ટીમ જીતની હકદાર છે. ટીમને અભિનંદન. અમને તમારા પર ગર્વ છે.'