ગુજરાતમાં નવરાત્રિના અંતિમ ચરણમાં એક જ દિવસમાં પાંચ વ્યકતિના અકસ્માતમાં મોત થતાં પર્વ લોહીયાળ બન્યું છે. અંકલેશ્વર, ભાવનગર અને અમદાવાદમાં બનેલાં અકસ્માતના બનાવોમાં બે યુવાનો સહિત પાંચ લોકોના મોત થયાં છે.
અકસ્માતના પ્રથમ બનાવની વાત કરવામાં આવે તો અંકલેશ્વર ખાતે રહેતાં ભાવેશ પરમાર અને સુનિલ વસાવા શુક્રવારે રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં પલ્સર બાઇક લઇને ભરૂચ તરફ આવી રહયાં હતાં. તે દરમિયાન ભુતમામાની ડેરી પાસે સામેથી આવી રહેલાં જેસીબી સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઇ હતી. ગંભીર ઇજાના પગલે બંને યુવાનોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયાં હતાં.
અકસ્માતના અન્ય બનાવની વાત કરીએ તો નવરાત્રીના નવમા નોરતે માતાજીના નિવેદ માટે મહુવાના કરમદીયા ગામે રહેતા એભલ ડાભી તથા તેના પત્ની શોભાબેન બાઇક પર ચોગઠ ગામે જઈ રહ્યા હતા.ત્યારે આ દંપતી ઘાંઘળી નજીક કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યા ત્યારે બોટાદથી પુર ઝડપે આવી રહેલી એક ખાનગી મીની બસના ચાલકે આ દંપતીને અડફેટે લીધું હતું અને બસ સાથે ની બાઇક ની ટક્કર બાદ પણ આ દંપતી 100 મીટર રોડ પર ધસડાયું હતું અને બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા.
અમદાવાદમાં પણ અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ થતા એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બાદ ડ્રાઈવ અને કન્ડક્ટર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી.અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ AMTSના કાચ પર પથ્થરો માર્યા હતાં.