ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણમાં ડિજિટલ ક્રાંતિ

રાજ્ય સરકારે લોન્ચ કરી ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ

હવે ઇકો-ફ્રેન્ડલી પગલાંનો મળશે ડિજિટલ સ્કોર

પર્યાવરણ માટે ગુજરાત સરકારની નવીન પહેલ

AI ગ્રીન સિટિઝન સ્કોર એપનો મોટો પ્રભાવ

ગુજરાત સરકારે નાગરિકોના પર્યાવરણલક્ષી પ્રયાસોને પ્રોત્સાહન આપવા ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ શરૂ કરી છે. વૃક્ષારોપણ હોય કે સાઇકલિંગ,હવે દરેક ઇકો-ફ્રેન્ડલી પગલાને ડિજિટલ સ્કોર મળશે.

પર્યાવરણની ચિંતા માત્ર વાતોમાં નહીં, પણ રોજિંદા જીવનમાં દેખાય એ આજના સમયની માંગ છે. આપણી એક નાની સકારાત્મક આદત પણ પ્રકૃતિ માટે સંજીવની બની શકે છે. આ વિચાર સાથે ગુજરાત સરકારે નાગરિકોના પર્યાવરણલક્ષી પ્રયાસોને પ્રોત્સાહન આપવા ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ શરૂ કરી છે. વૃક્ષારોપણ હોય કે સાઇકલિંગ,હવે દરેક ઇકો-ફ્રેન્ડલી પગલાંને ડિજિટલ સ્કોર મળશે. આ પહેલ શરૂ થતાં જ રાજ્યમાં 12 હજારથી વધુ વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા આ એપ તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક કલેક્શન, રિસાઈક્લિંગ, જળ સંરક્ષણ, સાઇકલિંગ તેમજ જાહેર પરિવહનના ઉપયોગ જેવી તમામ ઇકો-ફ્રેન્ડલી પ્રવૃત્તિઓની ડિજિટલ નોંધ રાખે છે.

નાગરિકો પોતાની પ્રવૃત્તિનો ફોટો અને લોકેશન અપલોડ કરે છે, જેનું AI દ્વારા વેરિફિકેશન થાય છે. ચકાસણી પૂર્ણ થતાં જ યુઝરને ગ્રીન પોઇન્ટ્સ અને સ્કોર પ્રાપ્ત થાય છે. લીડરબોર્ડ દ્વારા નાગરિકો પોતાનો રેન્ક જાણી શકે છે, જ્યારે ‘AI ગ્રીન આસિસ્ટન્ટ’ વધુ પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં 173થી વધુ ઇકો-ફ્રેન્ડલી ઇવેન્ટ્સ સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે. આ એપ હાલ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.