/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/29144738/maxresdefault-140.jpg)
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીમાં વધુ સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ કરી છે. આ યુવાઓએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન બનાવ્યું છે. આ મશીનનું ફેરબી ટેકનોલોજીથી રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન પણ શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનનું નિદર્શન કરતાં મુકેશ વીરડિયાએ જણાવ્યું હતું કે, 10 લીટર પ્રતિ મિનીટનો ઓક્સિજન ફ્લો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે. જેના દ્વારા એક સાથે 2 દર્દીઓને સારવાર આપી શકાય તે માટે 2 ફ્લો ધરાવતું આ મશીન બનાવવામાં આવ્યું છે. આ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનમાં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજજન્ય અન્ય રોગ કે, મ્યુકોરમાઇકોસીસ જેવા રોગની સંભાવના આ મશીનના ઉપયોગ બાદ નહિવત રહે છે.
જેને પ્રાયોગિક ધોરણે 3 દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ ફાઇનલ પ્રોડક્ટ ટ્રાયલ રન માટે તબીબોને આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાઓના આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.