/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/08140752/maxresdefault-96.jpg)
કોરોનાના કહેર વચ્ચે તહેવારોની ઉજવણી ભલે ન કરવા દેવામાં આવી હોય પણ આઠ વિધાનસભાની પેટાચુંટણી જરૂર યોજવા જઇ રહી છે. ગુજરાતમાં ખાલી પડેલી આઠ બેઠકો માટે આવતીકાલે શુક્રવારના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવશે અને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યાં બાદ ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની આગામી 3 નવેમ્બરે યોજાનાર પેટાચૂંટણી માટેનું આવતીકાલ 9 ઓક્ટોબરના રોજ જાહેરનામુ બહાર પડાશે. શુક્રવારથી તારીખ 16મી ઓકટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. કોરોનાકાળમાં યોજાનાર ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચે કેટલાક દિશા નિર્દેશો જાહેર કર્યાં છે. જેમાં ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી નોંધાવવી પડશે તેમજ ઉમેદવારે 17 ઓક્ટોબર અગાઉ સ્થાનિક અધિકારી સામે જરૂરી શપથ લેવા પડશે.
કોવીડ 19 ની સ્થિતિને ધ્યાને લઇ પ્રથમ વખત ઓનલાઈન નામાંકનની વ્યવસ્થા કરવામાં આવી છે ઉમેદવારે ચૂંટણી પંચ ની ગાઇડલાઇન મુજબ ફોર્મ ભરવું પડશે તો 80 વર્ષથી ઉપરના મતદાતાઓ માટે બેલેટ પેપેર ની વ્યવસ્થા કરવામાં આવી છે. કપરાડા, ડાંગ, કરજણ, ધારી, અબડાસા, મોરબી, ગઢડા અને લીમડીના કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી છે. ભાજપ અને કોંગ્રેસ આઠેય બેઠકો પર ઉમેદવારો નકકી કરવામાં લાગી ગયાં છે. કપરાડા, કરજણ, ધારી, અબડાસા, મોરબી અને ડાંગ બેઠક પર કોંગ્રેસમાંથી આવેલાં ધારાસભ્યોની ટીકીટ લગભગ નકકી મનાઇ રહી છે. કચ્છની અબડાસા બેઠક જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. કચ્છ ભાજપ સંગઠનની આખી ટીમે અબડાસામાં ધામા નાંખ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક પરથી સોમા ગાંડા પટેલે તેમના તેવર બતાવ્યાં છે. તેઓ ભાજપ અને કોંગ્રેસ બેમાંથી જે પાર્ટી ટીકીટ આપે તેના પરથી ચુંટણી લડવા તૈયાર છે. બીજી તરફ લીમડી બેઠક પર કોળી મતદારોનું વર્ચસ્વ હોવાથી કોળી સમાજના આગેવાનોએ રાજકીય પાર્ટીઓ પાસે ટીકીટની માંગણી સાથે બેઠક બોલાવી હતી.