જામનગરમાં થાર ની ટક્કર થી આઇ-૨૦ બસ સાથે અથડાઈ: એક યુવાનનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત: અકસ્માત કે કાવતરૂ સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ…
- નૂરી ચોકડી નજીક ઇદ્રસપીરની દરગાહ પાસે મોડી રાત્રે અકસ્માત: અફઝલ રહીમભાઇ ચાવડાનું ઘટના સ્થળે મોત, ત્રણ યુવાનો જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા….
જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, કાળા રંગની થાર ગાડીએ આઇ-૨૦ કારને પાછળ થી ટક્કર મારતાં કાર એક ખાનગી કંપનીની બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં આઇ-૨૦માં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ત્રણ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અકસ્માત છે કે કોઈ કાવતરૂ, તે અંગે પીઆઇ વી.એમ.ડોડીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
