અરબી સમુદ્રમાંથી સૌરાષ્ટ્રની ધરા પર ટાઉતે વાવાઝોડાની આફતે ગીરસોમનાથ જિલ્લામાં તબાહી મચાવી દીધી છે. તાઉટે વાવાઝોડુ દીવના દરિયાકિનારે વણાકબારા પાસે ટકરાયું હતું. વાવાઝોડાના પગલે 170 કીમીથી વધારે ઝડપે ફુંકાયેલા પવનથી ઉના સહિતના શહેરોમાં કાચા મકાનો અને દુકાનોના પતરા અને વીજથાંભલાઓ તેમજ વૃક્ષો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ગયાં હતાં.
ગીર સોમનાથ જિલ્લામાં તબાહી જોતાં કચ્છમાં આવેલા ભુકંપની યાદો તાજી થઇ રહી છે. ઉના તેમજ જિલ્લાના અન્ય સ્થળોએ વાવાઝોડાની વિનાશકતાના ભયાવહ દ્રશ્યો જોવા મળી રહયાં છે. તબાહીનો મંજર જોતાં લોકોએ રાત કેવી રીતે વીતાવી હશે તેની કલ્પના માત્ર ધ્રુજારી છુટાવી દે તેવી છે. રાતના 8 વાગ્યાથી વાવાઝોડા અને વરસાદની બેવડી કુદરતી આફતનો માર ગીરસોમનાથવાસીઓ ઝીલતાં ગયાં હતાં. સુસવાટા મારતો પવન, વરસાદનો અવાજ વાતાવરણને ભયાનક બનાવી દેતાં હતાં અને તેવામાં આખા પંથકમાં વીજળી ડુલ થઇ ગઇ હતી. મંગળવારે સવારે વાવાઝોડાથી થયેલા વિનાશના દ્રશ્યો સામે આવ્યાં હતાં. ઉના શહેરની વાત કરવામાં આવે તો રવિવાર સુધી ધબકતું ઉના સોમવારની કાળમુખી રાત્રિએ વેરાન બની ગયું હતું. જયાં જુઓ ત્યાં પતરા, વૃક્ષો અને વીજપોલ તુટેલા જોવા મળતાં હતાં. વહીવટીતંત્રએ લોકોને સલામત સ્થળોએ ખસેડી લીધાં હોવાથી જાનહાનિ થઇ ન હતી. વેરાવળ પાસે આવેલાં સુત્રાપાડામાં પણ તારાજી જોવા મળી હતી. મંગળવારે વાવાઝોડાનું જોર નરમ પડતાં તુટી પડેલા વૃક્ષો અને વીજથાંભલાઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એક તરફ કોરોનાના કહેર વચ્ચે જનજીવન ખોરવાય ગયું છે તેવામાં વાવાઝોડાથી પડતા પર પાટુ જેવો માહોલ છે.