ગુજરાતમાં માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. દિલ્હી–વડોદરા એક્સપ્રેસ-વેનો ગોધરા–વડોદરા સ્ટ્રેચ પૂર્ણ થતાં તા. 13 એપ્રિલ-2026’થી ટ્રાયલ આધાર પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. ટ્રાયલ સફળ થયા બાદ આ સ્ટ્રેચનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવશે.

ભારતમાળા પરિયોજનાના અંતર્ગત બનાવાયેલ આ સ્ટ્રેચ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીકના ભામૈયા ગામથી લઈને વડોદરા નજીકના ડોડકા ગામ સુધી વિસ્તરેલો છે. આ એક્સપ્રેસ-વે 8 લેન અને એક્સેસ-કન્ટ્રોલ્ડ છે, જે ઝડપી મુસાફરી માટે અનુકૂળ છે. આ સ્ટ્રેચ શરૂ થતાં ગોધરા, કાલોલ અને વડોદરા વચ્ચેનું જોડાણ વધુ સુગમ બનશે.

મુસાફરો અને વાહનચાલકોને ઝડપથી ગંતવ્ય સુધી પહોંચવામાં સહાય મળશે તેમજ હાલના માર્ગો પરનું ટ્રાફિક દબાણ પણ ઘટશે. આ સાથે જ, સુધારેલી કનેક્ટિવિટીથી વેપાર, લોજિસ્ટિક્સ અને સ્થાનિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે તેવી શક્યતા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક્સપ્રેસ-વે પર ધીમી ગતિના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સ્ટ્રેચનું શરૂ થવું દેશના આધુનિક માર્ગ નેટવર્કના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
