ગુજરાતમાં જમીન રી સર્વે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જમીન રિ-સર્વે અંગે અરજી માટે ના સમયગાળા માં વધારો કરવામાં આવ્યો છે. અને જમીન રી સર્વે અંગેની વાંધા અરજીઓનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં જમીન રી સર્વેની મામલે અનેક વખત ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ફરી જમીન રિ-સર્વે મામલે એક્શન મોડમાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં જમીન રી-સર્વે કામગીરીને લઈ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી.આ બેઠકમાં જમીન રી-સર્વેની કામગીરીમાં ક્ષતિઓ બાબતે ખેડૂતોમાંથી ઉઠતી રાવ અંગે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, આ બાબતે ખેડૂતોને કઈ કઈ રાહત આપી શકાય તે બાબત પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ જમીન રિ-સર્વે અંગે જે પણ ખેડૂતોને વાંધા અરજી હોય તો અરજી કરવાનો સમયગાળો લંબાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. નવી જાહેરાત બાદ હવે આગામી ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજી કરી શકાશે. એટલું જ નહી જમીન રિ-સર્વેની કામગીરી તાબડતોબ કરવા અને બને તેટલી ઝડપથી પૂર્ણ કરવા પણ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવ્યા હતા. અને પેન્ડિંગ અરજી નો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા પણ જણાવ્યું હતું.