ગાંધીનગર : રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂના સમય અને વિસ્તારમાં કર્યો વધારો; વધુ 9 સહિત 29 શહેરોમાં 5 મે સુધી રહેશે કર્ફ્યૂ

New Update
ગાંધીનગર : રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂના સમય અને વિસ્તારમાં કર્યો વધારો; વધુ 9 સહિત 29 શહેરોમાં 5 મે સુધી રહેશે કર્ફ્યૂ

દેશ સહિત રાજયભરમાં કોરોના બેકાબૂ બનતો જઈ રહયો છે ત્યારે વધતાં સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી મહત્વના નિર્ણયો કર્યા છે, જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે.

કોરોનાએ ભરડો લીધો છે ત્યારે સરકાર તરફથી નિયમો વધુ કડક કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર તરફથી વધુ નવ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જેમાં હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ તમામ શહેરોમાં રેસ્ટોરન્ટ બંધ રાખવાની રહેશે. જોકે, ટેક-હોમ કે ટેક અવેની સેવા ચાલુ રહેશે. ભારત સરકારના ગૃહ મંત્રાલય સાથે 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની તાકીદની બેઠક પછી આ મહત્ત્વની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે મંગળવારે સવારે મળેલી તાકીદની બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વના નિર્ણયો પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવા પગલાં લેવામાં આવ્યા હતા. અગાઉ 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ હતો. કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કર્ફ્યુ રહેશે. તદઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ નિયંત્રણો દરમિયાન 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ 29 શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જ્યારે આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે. આ ઉપરાંતર મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

Latest Stories