/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/03182529/maxresdefault-44.jpg)
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની નીતિરીતિ હોય તેમ એક પછી એક રાજ્ય સરકાર પગલા ભરી રહી છે, ત્યારે સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની નિમણૂંકોમાં અતિ વિલંબ કરવામાં આવે છે. સાથોસાથ ગ્રાન્ટેડ સંસ્થાઓના માળખાને તોડી નાખવા માટે આ સંસ્થાઓમાં અવસાન તેમજ નિવૃત્તી સહિત ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંક અંગે મંજૂરી કે કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. તેવો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકારી શાળાઓમાં ઓછી સંખ્યાના નામે રાજ્ય સરકાર લાંબા સમયથી પ્રથમ સૈધ્ધાંતિક નિર્ણય અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું મોટાપાયે શરૂ કર્યું છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકના સીધા આદેશથી ગત તા. 23 નવેમ્બરના રોજ પત્ર મારફતે અરવલ્લી જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં 76 શાળાઓને તાત્કાલીક અસરથી ખંભાતી તાળા મારવામાં આવ્યા છે. તો સાથે જ કચ્છ જીલ્લાની 179 શાળાઓને તાળા લાગી ગયા છે.
જેના લીધે કચ્છના ગ્રામ્ય વિસ્તારના ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો જેમાં ખાસ કરીને દિકરીઓના ભણવાનો અધિકાર છીનવાયો છે. જોકે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની 6000 જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. તો સાથે જ રાજ્યમાં આદિવાસી વિસ્તારની સ્થિતિ અત્યંત નાજુક બની જશે તેવી ભીતિ સેવાઇ રહી છે. રાજ્યમાં દરેક જીલ્લાઓમાં સરકારના આદેશથી ગ્રામ્ય વિભાગની સરકારી શાળાઓને તાળા લાગી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે.