ગુજરાત : માનવીના જીવનની કિમંત માત્ર ચાર લાખ રૂપિયા, વળતર આપી જવાબદારીમાંથી છટકતી સરકાર

ગુજરાત :  માનવીના જીવનની કિમંત માત્ર ચાર લાખ રૂપિયા, વળતર આપી જવાબદારીમાંથી છટકતી સરકાર
New Update

ગુજરાતમાં કોવીડ- 19ના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારે ખાનગી હોસ્પિટલોને કોવીડ-19 હોસ્પિટલ તરીકે માન્યતા આપી છે પણ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીના મુદ્દે ડીંડક જોવા મળી રહયું છે. રાજકોટના આનંદ બંગલા ચોક પાસે આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગતાં પાંચ દર્દીઓના મોત નીપજયાં છે. અત્યાર સુધીમાં ત્રણ હોસ્પિટલોમાં આગના બનાવો છતાં સરકાર જવાબદારો સામે નકકર કાર્યવાહી કરવાના બદલે માત્ર વળતર ચુકવીને અને રાજકીય નેતાઓ સાંત્વના પાઠવીને માનવીના મૃત્યુની કિમંત લગાવી રહયાં છે……

સુરતના તક્ષશિલા કોમ્પલેકસમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના મોત બાદ સફાળી જાગેલી રાજય સરકારે ફાયર સેફટીના કાયદાને કડક બનાવી દીધો હતો. મહિનાઓ સુધી નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓએ ફાયર સેફટીની તપાસના નામે ડીંડક ચલાવ્યું, ફાયર સેફટી નહી રાખનારાઓને દંડ ફટકારી અથવા મિલકત સીલ કરી અધિકારીઓ અને કર્મચારીઓએ જાણે વાઘ માર્યો હોય તેવો સંતોષ માણી લીધો. પણ રાજયમાં હજી કેટલીય હોસ્પિટલો જીવતા બોંબ સમાન છે. રાજયમાં એક તરફ કોવીડના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેવામાં હોસ્પિટલોમાં ફાયર સેફટી હોવી જરૂરી છે.

હવે નજર કરીશું રાજયની હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓ પર ઓગષ્ટ મહિનામાં અમદાવાદના નવરંગપુરામાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં કોરોનાની સારવાર લઇ રહેલાં 8 દર્દીઓ જીવતા ભુંજાય ગયાં હતાં. ત્યાર બાદ વડોદરાની સયાજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગતાં 150 જેટલા દર્દીઓને ગોત્રીની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. સરકાર અને વહીવટીતંત્ર ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું કામ કરી રહી છે. જયારે પણ આગની ઘટના બને ત્યારે તપાસના આદેશ આપવામાં આવે છે, નેતાઓ ટવીટ કરી ઘટના અંગે ખેદ વ્યકત કરે છે અને સરકાર માનવીની જીંદગીની કિમંત લગાવી વળતરની જાહેરાત કરે છે. આ બધું હવે સામાન્ય બની ગયું છે. દર્દની સાચી કિમંત તો જેણે સ્વજન ગુમાવ્યો છે તે જ જાણી શકે તેમ છે. અત્યાર સુધીમાં ત્રણ હોસ્પિટલોમાં આગની ઘટના બની ચુકી છે વધુ કોઇ હોસ્પિટલમાં આગ લાગે અને દર્દીઓ જીવ ગુમાવે તે પહેલાં સરકાર બેદરકારો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરે તે જરૂરી છે.

#Rajkot #Rajkot fire #Rajkot Covid Hospital Fire #Gujarat Fire #Uday Shivanand Hospital Fire
Here are a few more articles:
Read the Next Article