પંચમહાલ જીલ્લાના ગોધરા હાઇવે પર ભયજનક વાહન ચલાવનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સ્ટંટ કરતાં 48 બાઇક રેસર, 16 પીધેલા, ઓવર સ્પીડના 113 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજના ગોઝારા અકસ્માત બાદ રાજ્યના પોલીસ વડાએ વાહન ચેકિંગ કરવાના આદેશો આપ્યા છે, ત્યારે પંચમહાલ પોલીસ પણ હરકતમાં આવી છે. જિલ્લા ટ્રાફિક પોલીસે 4 દિવસમાં રેસ, ધુમસ્ટાઇલ બાઇક તથા રેસીંગ કરનાર 48 બાઇક ચાલકોને પકડ્યા છે. તેમજ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવમાં 16 પીધેલા તથા ઓવર સ્પીડના 113 વાહન ચાલકો પકાડાયા છે. સાથે જ અકસ્માતમાં ઇજાગ્રસ્તને 108 કે અન્ય વાહનમાં વહેલી તકે મોકલીને જીવ બચાવનારને સમ્માનીત કરીને 5 હજાર રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે.
પંચમહાલમાં 4 દિવસમાં જીલ્લાના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડ્રન્ક એન્ડ ડ્રાઈવ રેસ ડ્રાઇવિંગ કરનાર 15, જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર 113 વાહન ચાલકોને પકડી પાડયા હતા. જેમાં 26 વાહન ચાલકોને આરટીઓ મેમો આપીને કાર્યવાહી કરી છે.
ગોધરા શહેરમાં ઓવરસ્પીડના 113, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 15 અને ભરચક વિસ્તારમાં ભયજનક ડ્રાઈવિંગ કરનાર 17 વાહનચાલક મળીને 145 કેસ નોધાયા છે, જ્યારે હાઇવે ઉપર અને સુમસામ રોડ ઉપર ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવનાર, ડ્રેગ રેસ કરનાર, સ્ટેટ તથા રેસીંગ કરનાર 48 નબીરાઓને પોલીસે વાહન સાથે પકડી પાડયા હતા. સાથે ટ્રાફિક પોલીસે રોગ સાઇડ પર વાહન લઇને આવતા અકસ્માતો થતાં હોવાથી પોલીસે જિલ્લામાં રોગ સાઇડ પરથી વાહન લઇને આવતાં 29 કેસ કર્યા છે. બાળકો વાહન ચલાવતા પકડાતા પોલીસે બાળકોના 2 વાલીઓ પર કેસ કરીને કડક કાર્યવાહી કરી છે. મોડી રાત્રે પણ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે.