/connect-gujarat/media/media_files/2025/12/04/ats-2025-12-04-15-36-09.jpg)
ગુજરાત ATSએ દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભો કરનાર એક જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ બંને પાકિસ્તાની જાસૂસી એજન્સીઓ સાથે સંપર્કમાં હતા અને દેશની સંવેદનશીલ તથા ગુપ્ત માહિતી શેર કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે, જે આ કેસને વધુ ચોંકાવનારો બનાવે છે. ગુપ્ત માહિતી જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનો પુરાવો મળતાં ATSએ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
દમણ અને ગોવામાં ATS દ્વારા ચલાવાયેલા આ વિશેષ ઓપરેશનમાં આરોપી મહિલા રશ્મિન રવિન્દ્ર પાલને દમણમાંથી અને પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહને ગોવામાંથી પકડવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને પાકિસ્તાનના જાસૂસો સાથે સતત સંપર્કમાં હતા અને લાંબા સમયથી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાની હેન્ડલર્સ સુધી આર્થિક મદદ પહોંચાડવાનો પણ ગંભીર આક્ષેપ છે, જ્યારે બંને સંવેદનશીલ વિસ્તારોની માહિતી એકત્રિત કરીને લીક કરતા હતા.
ATS હવે આ જાસૂસી જાળું કેટલું મોટું છે, તેમાં અન્ય કોણ સંકળાયેલું છે અને અત્યાર સુધી કેટલી ગુપ્ત માહિતી બહાર ગઈ છે તે જાણવા માટે વધુ તપાસ કરી રહી છે. અધિકારીઓના અનુસાર આ કેસ દેશની આંતરિક સુરક્ષાને માટે મહત્વનો છે અને તેની દરેક કડીને જડ સુધી તપાસવામાં આવશે.