બાબરા તાલુકાના ગરણી ગામ ચોંકાવનારી ઘટના સર્જાય
વહેલી સવારે 4:30 કલાકે મકાનમાં અચાનક ભેદી ધડાકો
પ્રચંડ ધડાકાના કારણે મકાનના રસોડાનો ભાગ ધરાશાયી
આસપાસના સ્થાનિકોના મકાનોમાં પણ ધ્રુજારી અનુભવાય
પોલીસે FSLની મદદથી ભેદી ધડાકા અંગે તપાસ હાથ ધરી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામમાં વહેલી સવારે એક મકાનમાં અચાનક ભેદી અને પ્રચંડ ધડાકો થયો હતો. જેમાં મકાનનો રસોડાનો ભાગ ધરાશાયી થતાં આસપાસના મકાનોમાં પણ તેની ધ્રુજારી અનુભવાય હતી.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા ખેડૂત નાગજી ચોપડાના મકાનમાં વહેલી સવારે 4:30 કલાકે અચાનક જ એક ભેદી અને પ્રચંડ ધડાકો થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે, મકાનનો રસોડાનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, અને આસપાસના મકાનોમાં પણ તેની ધ્રુજારી અનુભવાઈ હતી.
અચાનક થયેલા પ્રચંડ ધડાકાથી લોકો જાગી ગયા હતા. ધડાકાને કારણે નાગજી ચોપડાના મકાનનું રસોડું તૂટી પડ્યું હતું અને ઘરના પતરા-દીવાલોને પણ ભારે નુકસાન થયું હતું. ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે, આજુબાજુના રહીશો પણ ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં બાબરા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, જ્યાં પોલીસે કાટમાળની તપાસ શરૂ કરી ભેદી ધડાકો વિસ્ફોટક પદાર્થના કારણે થયો છે કે, અન્ય કોઈ ભૌગોલિક કારણોસર, તે દિશામાં FSLની મદદ લેવાની તજવીજ હાથ ધરી હતી.