AI-ડ્રિવન ગુડ ગવર્નન્સ તરફ મક્કમ ડગ
વહીવટીતંત્રને હાઇટેક અને પારદર્શક બનાવવાનો પ્રયોગ
સેન્ટર ઓફ એક્સેલન્સના માધ્યમથી કાર્ય બનશે સરળ
ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 19 સ્ટાર્ટઅપ્સને જોડ્યા
ટેકનોલોજીના પ્રતાપે ફાઈલોના નિકાલમાં થતો વિલંબ દૂર થશે
ગુજરાત હવે રૂપિયા 30 કરોડના બજેટ સાથે 'AI-ડ્રિવન ગુડ ગવર્નન્સ' તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા વહીવટીતંત્રને હાઈટેક અને પારદર્શક બનાવવાનો આ નવતર પ્રયોગ છે. તંત્રને વધુ સક્ષમ બનાવવા માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવા વૈશ્વિક નિષ્ણાતો દ્વારા 350થી વધુ ઉચ્ચ અધિકારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
રાજ્યમાં ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 19 સ્ટાર્ટઅપ્સને જોડીને સરકારી કામકાજને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજીના પ્રતાપે ફાઈલોના નિકાલમાં થતો વિલંબ દૂર થશે અને વર્ષો જૂની જટિલ પ્રક્રિયાઓ હવે ગણતરીની સેકન્ડોમાં પૂર્ણ થશે.એમેઝોન અને નાસકોમ જેવી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ તાલીમબદ્ધ થયેલા અધિકારીઓ હવે વહીવટી પ્રશ્નોના ત્વરિત ઉકેલ લાવી રહ્યા છે.
આ પરિવર્તનને કારણે જ ખેડામાં અનાજની ગુણવત્તાની ચકાસણી હવે માત્ર 30 સેકન્ડમાં શક્ય બની છે. સાથોસાથ, 112 હેલ્પલાઇન માટે સ્થાનિક બોલીઓ સમજી શકે તેવું અત્યાધુનિક સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવ્યું છે.બિલ્ડિંગ પરમિશન જેવી સેવાઓને વેગ આપી સરકાર નાગરિકોના સમય અને શક્તિની બચત કરી રહી છે. આધુનિક ટેકનોલોજી અને કુશળ વહીવટના સમન્વયથી ગુજરાત આજે સમગ્ર દેશમાં 'ડિજિટલ ગવર્નન્સ'ના રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.