માંગરોળ તાલુકાના ચાખવા ગામના પ્રગતિશીલ ખેડૂત
4થી 5 વીઘા જમીનમાં ખેડૂતે મેળવ્યું કંટોલાનું ઉત્પાદન
આયુર્વેદમાં સૌથી શક્તિશાળી ઔષધિ તરીકે કંટોલા
ખેડૂતે કંટોલાની ખેતી સાથે લાખો રૂપિયાની કમાણી કરી
પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતોને પણ આપે છે પ્રેરણા
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામના પ્રગતિશીલ ખેડૂતે કંટોલાની સફળ ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરી બતાવી છે. એટલું જ નહીં તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.
ખેતી એટલે માત્ર પરંપરાગત પાક જ નહીં, પરંતુ નવીનતા અને સ્માર્ટ અભિગમ અપનાવીને લાખોની કમાણી કરવાનો માર્ગ પણ છે. આ વાતને જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામના પ્રગતિશીલ ખેડૂત વિજય ડાકીએ સાબિત કરી બતાવી છે. તેમણે પરંપરાગત પાકો જેવા કે બાજરો, ઘઉં અને મગફળીની ખેતી છોડીને, કંટોલાના નફાકારક પાક તરફ વળ્યા અને આજે તે અને તેમનું જૂથ વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યું છે. ચોમાસાની ઋતુ આવતા જ બજારમાં એક અનોખી શાકભાજી જોવા મળે છે કંટોલા. કાંટાળી સપાટી અને નાના કદને કારણે તે તરત જ ધ્યાન ખેંચી લે છે. ગુજરાતમાં તેને કંકોડા અથવા કંટોલીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ વેલાવાળી શાકભાજી સ્વાદમાં મીઠી અને ગુણોમાં અત્યંત લાભદાયી હોવાથી તેને "મીઠા કારેલા" તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં તો કંટોલાને સૌથી શક્તિશાળી ઔષધિ તરીકે ગણવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું હતું કે, 16 વર્ષ પહેલાં, નવા યુવાનોને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. તેમણે જંગલો અને કાંટાળી વાડોમાંથી કંટોલાનું બિયારણ મેળવ્યું અને માત્ર 5થી 7 હરિયામાં પ્રયોગ તરીકે વાવેતર શરૂ કર્યું હતું. આ સફળ પ્રયોગ બાદ, આજે તેઓ 4થી 5 વીઘા જમીનમાં કંટોલાની ખેતી કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, જો ખેડૂતો નવીનતા અપનાવે, તો ખેતી પણ એક નફાકારક અને ગૌરવશાળી વ્યવસાય બની શકે છે. કંટોલાની સફળતાની આ કહાની અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે.