Connect Gujarat
ગુજરાત

કચ્છ : દરિયાઈ ક્રિક વિસ્તારમાં લાંબા સમય બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું

કચ્છ : દરિયાઈ ક્રિક વિસ્તારમાં લાંબા સમય બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું
X

ભારત પાકિસ્તાનની રણ સીમાને અડકીને આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી લાંબા સમય બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થનું પેકેટ મળી આવ્યાનું જાણવા મળે છે.

છેલ્લા ઘણા સમયથી ઘુસણખોરી અને માદક પદાર્થ મળવાનો સિલસિલો થંભી ગયો હતો. પરંતુ ફરી BSFની પેટ્રોલિંગ ટીમેં સરક્રિક વિસ્તારમાંથી 3 પાક નાગરિક સાથે 1 માછીમારી બોટને ઝડપી પાડ્યાના માત્ર 3 દિવસ બાદ આજે કોટેશ્વરના દરિયાઈ ક્રિક વિસ્તારમાં ઈબ્રાહીમપીર બેટ પાસેથી માદક પદાર્થનું પકેટ મળી આવ્યાનું સલામતી દળોના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ મામલે સલામતી વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વકની તપાસ ચાલુ છે.

પાકિસ્તાન દેશની સરહદે આવેલા કચ્છ વિસ્તારમાં આજે લખપતના કોટેશ્વર દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળની ટુકડીને બિનવારસી હાલતમાં માદક પદાર્થ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી 1500 જેટલા પેકેટ મળી આવ્યા છે

આજે ફરી એક વખત માદક પદાર્થનું પકેટ મળી આવ્યું છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન ગત 22ના રોજ પકડાયેલા પાકિસ્તાનના ત્રણેય ઘુસણખોર આધેડ ઉંમરના છે. જેઓને ભુજ જોઈન્ટ ઇન્ટરોગેશન ખાતે પૂછપરછ માટે રાખવામાં આવ્યા છે. આ પ્રક્રિયા બાદ નારાયણ સરોવરમાં તેમના વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા અનુસાર ગુનો દાખલ થશે. અહીં એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે પકડાયેલા પાક. માછીમારો પાસેથી કઈ સંદિગ્ધ વસ્તુ મળી ના હોવાનું BSFની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

કચ્છની દરિયાઇ ક્રિક વિસ્તારમાંથી માદક પદાર્થ મળી આવતા સલામતી એજન્સીઓ વધુ સતર્ક બની હોવાનું પણ જાણવા મળ્યું છે.

એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

Next Story