Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : સાયન્સ સિટીમાં ઉમેરાશે નવા આકર્ષણો, CM ભુપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક...

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં 107 હેક્ટર વિસ્તારમાં વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ વર્ષ 2001માં કરાવ્યુ છે. આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે. સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં આવે છે.

સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી અનુભવ કરાવે છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે પણ સમીક્ષા બેઠક યોજી હતી, જ્યાં આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ રૂ. 750 કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્ક પણ ઊભા કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ વિષયો અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્કસના નિર્માણ માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ પંકજ જોષી, સાયન્સ એન્ડહ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદી તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

Next Story