Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સિંધુભવન રોડ પર ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા માટે પોલીસ લેશે વેપારીઓની મદદ

અમદાવાદ: સિંધુભવન રોડ પર ગેરકાયદેસર પ્રવૃતિ ડામવા માટે પોલીસ લેશે વેપારીઓની મદદ
X

ગુજરાતમાં પણ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ડ્રગ્સનો નશો યુવા ધનને બરબાદ કરતો હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદમાં પણ છાશવારે ડ્રગ્સ પેડલર ઝડપાવવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના જાણીતા એસબીઆર એટલે કે સિંધુભવન પર પોશ વિસ્તારના યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોવાની માહિતી ખૂલતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હવે સિંધુભવન પર નશાનો કારોબાર રોકવા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.

પોલીસ શહેરના જાણીતા સિંધુભવન રોડ પર બાઇક-કારમાં સ્ટન્ટ કરતા તેમજ દારૂ-ડ્રગ્સનું સેવન કરતા નબીરાઓને પકડવા સમયાંતરે ડ્રાઇવ યોજે છે છતાં હજુ આ બધાં દૂષણ સંપૂર્ણ બંધ કરી શકાયાં નથી. ત્યારે હવે આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા પોલીસે હવે વેપારીઓને મદદ લેવાનું નક્કી કર્યું છે. ગઈકાલે એટલે કે શનિવારે પોલીસે સિંધુભવન રોડ પર આવેલા કાફે, હોટલ અને રેસ્ટોરાંના માલિકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસે તમામ વેપારીઓને અપીલ કરી હતી કે, આવા પ્રકારની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જાય તો તુરંત પોલીસને જાણ કરવામાં આવે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં સિંધુભવન રોડ પરથી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા હતા.SOGની ટીમે મૂળ પાલનપુર ના રહેવાસી ઈરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલી ખાન નાગોરી નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા પહેલાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા હતા. તેઓની પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ બંને પાલનપુર થી ખાસ અમદાવાદ સિંધુ ભવન રોડ પર આપવા આવ્યા હતા. આરોપી છેલ્લા 6 માસમાં ત્રણ વાર અમદાવાદ આવી એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

Next Story