/connect-gujarat/media/post_banners/ceaf6d8b38eeb1d6c596ffeeb9da97050b0949675aa97eca6e5d7a10f8352559.jpg)
કોરોના મહામારીમાં અનેક લોકો હિંમત હારી પોતાના જીવ ગુમાવ્યા પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં ૩૦ એપ્રિલના રોજ નાના આંતરડામાં તકલીફ અને કોરોનાથી પીડાતી નવજાત શિશુને દાખલ કરવામાં આવી.તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરી નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો.
મહેમદાબાદના જાવેદ કુરેશીના ઘરે બાળકીનો જન્મ થયો. ૩૦ મી એપ્રેલના રોજ જન્મેલી બાળકીના આગમનથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો.પરંતુ આ ખુશીઓ સાથે કેટલીક મુસીબતો પણ સાથે આવી. ૨.૫ કિ.ગ્રા વજન ધરાવતી આ શ્રમિક પરિવારની બાળકી સ્તનપાન કરી શકે તેમ ન હતી. જેના કારણે બાળકનું પેટ ફૂલવા લાગ્યું. ત્યારબાદ તેને ઉલટી થવાનું શરૂ થયુ. જે કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી. અહીં આવ્યા ત્યારે વિવિધ રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ બાળકીને આંતરડામાં રૂકાવટ હોવાનું નિદાન થયું. જે કારણોસર જ બાળકી ધાવણ લઇ શકવા સક્ષમ ન હતી. જેની સારવાર માટે સર્જરી કરવી આવશ્યક બની રહી હતી.
સર્જરી પૂર્વે બાળકીનો કોરોનાનો રીપોર્ટ કરવામાં આવતા તે પણ પોઝિટિવ આવ્યો. હવે બાળકીની સર્જરીમાં જટીલતા વધી ગઈ.હવે કોરોનાગ્રસ્ત નવજાત શિશુની સર્જરી કરવી આવશ્યક બની રહી હતી.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો આ પડકાર ઝીલીને જોખમ લઇ સર્જરી કરવાનું નક્કી કર્યું.સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના નાના આંતરડા પૂર્ણ રૂપે વિકાસ થયો હતો નહી. જે કારણોસર બાળકને ધાવણ માટે તકલીફ પડી રહી હતી.જે માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાખવામાં આવ્યુ.બાકી બચેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું,સમગ્ર સર્જરી ૨ થી ૩ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.સામાન્ય સંજોગોમાં પણ બાળકોની સર્જરીની જટીલતા અને સંવેદનશીલતા વધુ રહેતી હોય છે ત્યારે પી.પી.ઇ. કીટ પહેરીને 3 કલાક બાળકની સર્જરી હાથ ધરવી તે પડકારજનક બની રહી હતી.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એનેસ્થેટિક વિભાગ એસોસિએટ પ્રોફેસર ડૉ. મૃણાલીની શાહની ટીમના સહયોગથી અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં પાડી.
સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, ઇલીયલ અટ્રેસીયા નામની બિમારી ૧૦ હજાર નવજાત બાળકોમાંથી ૨ બાળકોમાં જોવા મળે છે. જેની સર્જરી અતિ જટિલ બની રહે છે.સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ માં અત્યંત જૂજ જોવા મળતી ઘણી સર્જરી હાથ ધરવામાં આવી છે.