ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેર દ્વારા સભા યોજાય
કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત
સી.આર.પાટીલના સત્કાર સમારોહનું ભવ્ય આયોજન થયું
રાજુલામાં “કોંગ્રેસ તોડો, ભાજપ જોડો” અભિયાન હાથ ધર્યું
મોટી સંખ્યામાં અંબરીશ ડેરના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે “કોંગ્રેસ તોડો, ભાજપ જોડો” અભિયાન હેઠળ ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેર દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવીને અંબરીશ ડેરે કેસરીયો કર્યા બાદ રાજુલાના આંગણે અંબરીશ ડેર દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સત્કાર સમારોહ સાથે “કોંગ્રેસ તોડો ભાજપ જોડો” અભિયાન હાથ ધર્યું હતું.
જેમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સાથે એક સમયના કટ્ટર હરીફ ઉમેદવારો એકબીજાને પછડાટ આપી ચૂકેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અને અંબરીશ ડેર બન્ને એક જ મંચ પર જોવા મળ્યા હતા. યુવા અને આકર્ષક નેતા અંબરીશ ડેર દ્વારા હીરા સોલંકીને સન્માન આપવામાં આવ્યું હતું, જ્યારે અંબરીશ ડેર દ્વારા પોતાના વક્તવ્યમાં ભાજપમાં બોલતી બંધ થવાની વાતનું ખંડન કર્યું હતું, અને ખુલીને અંબરીશ ડેર કોંગ્રેસ સામે ટિક્કા ટિપ્પણી ન કરીને વિકાસનો સહભાગી થવાનું જણાવ્યુ હતું,
જ્યાં ઉપસ્થિત હજારો સમર્થકો અને મેદનીએ અંબરીશ ડેરને તાળીઓથી વધાવી લીધા હતા, જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અલગ જ મૂડમાં જોવા મળ્યા હતા. તેઓએ રમુજ કરતાં જણાવ્યુ હતું કે, સમગ્ર ગુજરાતમાં કોઈ માટે રૂમાલ રાખીને જગ્યા રાખી તો તે માત્ર અંબરીશ ડેર માટે રાખી હતી. જે આજે પૂર્ણ થયું છે. પણ આજે ધોમધખતા તાપમાં બેસેલી જનમેદનીમાં અંબરીશ ડેર પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તકે અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો સહિત 2 હજાર કોંગી સમર્થકોએ પણ કેસરીયો કરી લીધો હતો. જેમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં મોટું ગાબડું અંબરીશ ડેરના ભાજપ પ્રવેશ બાદ પડ્યું હતું.