બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક
માર્કેટ યાર્ડમાં 10થી 12 હજાર મણ કપાસની આવક
બીજા નોરતે ખેડૂતોને કપાસના સારા ભાવથી ખુશી
અમરેલી જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે બીજા નોરતે ખેડૂતોને સારા ભાવ મળતા કપાસની બમ્પર આવક જોવા મળી છે. અમરેલી જિલ્લામાં બાબરા, ધારી, લાઠી, બગસરા, સાવરકુંડલા અને રાજુલા સહિત મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થતાં યાર્ડ ખેડૂતોથી ધમધમી રહ્યા છે. હાલમાં સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ અમરેલીમાં આવેલું છે. આજે બીજા નોરતે બાબરા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થતાં બમ્પર આવક જોવા મળી રહી છે.
નવરાત્રીની સાથે સાથે દિવાળીનો તહેવાર પણ નજીક આવતો હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો સવારથી જ કપાસ વહેંચવા બાબરા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા. બાબરા માર્કેટિંગ યાર્ડમાં 10થી 12 હજાર મણ કપાસની આવક થઈ છે, જ્યાં કપાસના રૂ. 1330થી લઈને રૂ. 1560 સુધીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
તો બીજી તરફ, વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવાનો આગ્રહ રાખ્યો હતો. ઉપરાંત બાબરા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ પલળે નહીં તે માટે 3 નવા શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ, વખતે સુકારો આવતા કપાસ બગડી ગયો હોવાના કારણે આવકમાં આંશિક ઘટાડો પણ નોંધાયો હતો.